• વરસાદ બાદ ભારે ગરમી શરૂ થતા રોગચાળો બેકાબુ બન્યો, મચ્છરજન્ય રોગો ઉપરાંત ટાઇફોઇડ અને કમળા જેવા રોગના દર્દીઓની પણ સંખ્યા
  • વધી : તમામ જિલ્લાઓમાં સરકારી ચોપડે નજીવો આંકડો, પણ ખાનગી હોસ્પિટલો દરરોજ દર્દીઓથી ઉભરાઈ રહી છે

સૌરાષ્ટ્ર- કચ્છમાં વરસાદ બાદ ભારે ગરમી શરૂ થતા રોગચાળો બેકાબુ બન્યો છે. ડેન્ગ્યુ-મેલેરિયાના કેસમાં ધરખમ ઉછાળો આવ્યો છે. મચ્છરજન્ય રોગો ઉપરાંત ટાઇફોઇડ અને કમળા જેવા રોગના દર્દીઓની પણ સંખ્યા વધી રહી છે. તમામ જિલ્લાઓમાં સરકારી ચોપડે નજીવો આંકડો દેખાઈ રહ્યો છે પણ ખાનગી હોસ્પિટલો દરરોજ દર્દીઓથી ઉભરાઈ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

મોટાભાગના જિલ્લાઓમાં ડેન્ગ્યુ, મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગ સહિત હવે ટાઇફોઇડ તાવ અને કમળા જેવા રોગના દર્દી પણ સામે આવી રહ્યા છે. છેલ્લા એક માસથી ડેન્ગ્યુના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. હાલ વરસાદી માહોલ સાથે તડકો અને ભેજવાળું વાતાવરણ હોવાથી વાઇરલ ઈન્ફેક્શનના કેસોમાં વધારો નોંધાયો છે. તબીબોના જણાવ્યા મુજબ લોકોએ બહારનો ખોરાક લેવાથી દૂર રહેવાની સાથે ગરમ પાણીનું લેવું જોઈએ. ઉપરાંત જો કોઈપણ પ્રકારે તબિયત વધુ ખરાબ લાગે તો તરત જ  આરોગ્ય કેન્દ્રો અથવા હોસ્પિટલમાં નિષ્ણાંત ડોક્ટર્સની સલાહ લઈ તે મુજબની દવા લેવી જરૂરી છે.

રાજકોટ શહેરની સ્થિતિ જોઈએ તો ચાલુ સપ્તાહે વધુ 29 ડેન્ગ્યુના કેસો સામે આવતા એક માસમાં 100 જેટલા કેસો નોંધાઈ ચુક્યા છે. ઉપરાંત ટાઇફોઇડ તાવના 5 તેમજ કમળાના 2 દર્દીઓ સામે આવ્યા છે. તો વિવિધ રોગોના અગાઉના 1968 સામે ચાલુ સપ્તાહે 2,376 કેસ નોંધાયા છે. જેમાં શરદી-ઉધરસના સૌથી વધુ 1,239 દર્દીઓ નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. જોકે, આંકડાઓ માત્ર મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોના છે. ત્યારે નાના મોટા ખાનગી ક્લિનિકો ધ્યાનમાં રાખીએ તો આંકડો 5 ગણો એટલે કે, 10,000થી વધુ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા એકાદ સપ્તાહથી રાજકોટ શહેરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ તેમજ મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી. જેમાં શરદી-ઉધરસના ગત સપ્તાહનાં 942 કેસ સામે આ સપ્તાહે 1,239 કેસ, ઝાડા-ઉલટીના 349 સામે 359 કેસ અને સામાન્ય તાવના પણ 645 સામે 739 કેસ નોંધાયા છે.

મચ્છરજન્ય રોગોનું પ્રમાણ ખૂબ વધ્યું

હાલ સૌથી મોટું જોખમ મચ્છરોથી થતા રોગોનો છે. સમગ્ર રાજ્યમાં મચ્છરજન્ય રોગો ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયાના કેસમાં વધારો થઈ રહ્યો છે. મેલેરિયા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે, જ્યારે ડેન્ગ્યુ તાવ એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે. મોટાભાગના લોકોમાં ડેન્ગ્યુ થોડા દિવસોમાં મટે છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં તે ગંભીર લક્ષણોનું કારણ બની શકે છે. મેલેરિયા અને ચિકનગુનિયા પણ થોડા દિવસોમાં મટી જાય છે. પરંતુ તેમ છતાં, તેમના લક્ષણોની સમયસર ઓળખ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ત્રણેય રોગોમાં સૌથી સામાન્ય લક્ષણ તાવ છે. પરંતુ તેમની વચ્ચેના તફાવતને ઓળખવું પણ મહત્વપૂર્ણ છે.

એક સાથે 7 બીમારીઓનો ખતરો : તમામ રાજ્યોને તાત્કાલિક પગલાં લેવા કેન્દ્રની સૂચના

હાલ એકસાથે 7 બીમારીઓનો ખતરો જોવા મળી રહ્યો છે. જેમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, મંકીપોક્સ, નિપાહ, ચાંદીપુરા અને સ્વાઈન ફ્લૂ છે. આરોગ્યા મંત્રાલય દ્વારા તમામ રાજ્ય સરકારોને તમામ જરૂરી પગલાં લેવા જણાવ્યું હતું. જેને લઈને તમામ રાજ્યો દ્વારા આ રોગોને ફેલાવતા રોકવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. સાથે જ ચેપગ્રસ્ત દર્દીઓના સંપર્કમાં આવેલા દર્દીઓને ટ્રેસ કરવાથી ટેસ્ટિંગ કરવા સુધી જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.