અબતક-રાજકોટ
શહેરમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે તો બીજી તરફ સતત વરસાદી વાતાવરણના કારણે ડેન્ગ્યુ, મેલેરીયા અને ચીકનગુનિયાના કેસોએ માથુ ઉંચક્યું છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન ડેન્ગ્યુના 23 કેસો મળી આવતા શહેરીજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. મેલેરીયાના પણ 2 કેસો નોંધાયા છે. જ્યારે ચીકનગુનિયાનો એક કેસ નોંધાયો છે. મચ્છરની ઉત્પતિ સબબ 1206 લોકોને નોટિસ ફટકારવામાં આવી છે.
મેલેરીયાના પણ બે કેસો નોંધાયા: મચ્છરોની ઉત્પતિ સબબ 1206 લોકોને નોટિસ
ગત સપ્તાહે શહેરમાં ડેન્ગ્યુના વધુ 23 કેસો નોંધાતા અત્યાર સુધીમાં કુલ કેસનો આંક 136એ પહોંચી જવા પામ્યો છે. જ્યારે મેલેરીયાના 2 કેસ નોંધાતા કુલ કેસ 138 થવા પામ્યા છે. ચીકનગુનિયાનો 1 કેસ મળી આવતા કુલ કેસ 17 થયા છે. મચ્છરજન્ય રોગચાળાની અટકાયત માટે 7008 ઘરોમાં ફોગીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મચ્છરની ઉત્પતિ સબબ 1206 લોકોને નોટિસ ફટકારી રૂા.82800નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે.
હોટલ રેસ્ટોરન્ટ, બાંધકામ સાઈટ, હોસ્પિટલ, ઈન્ડસ્ટ્રીઝ, સરકારી કચેરી, ધાર્મિક સ્થળો સહિત કુલ 765 સ્થળે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 86814 ખાડાઓમાં પાણી ભરાયેલું રહેતું હોવાના કારણે ત્યાં ફોગીંગની કામગીરી ક રાઈ હતી. જ્યારે 346 સ્થળે દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. અલગ અલગ વિસ્તારોમાં મચ્છરોની ઉત્પતિ કેમ અટકાવવી તે અંગે માહિતી આપવામાં આવી છે.