શરદી-ઉધરસના 259, ઝાડા-ઉલ્ટીના 95 અને સામાન્ય તાવના 31 કેસ નોંધાયા: મચ્છરની ઉત્પતિ સબબ 274 આસામીઓને નોટિસ

શહેરમાં ફરી રોગચાળાએ માથુ ઉંચક્યુ છે. ડેન્ગ્યૂનો પણ એક કેસ મળી આવ્યો છે. દવાખાનાઓમાં ફરી દર્દીઓની લાઇન જોવા મળી રહી છે. મચ્છરની ઉત્પતિ સબબ 274 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે.

આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગત સપ્તાહે ડેન્ગ્યૂનો એક કેસ મળી આવ્યો છે. છેલ્લા ચાર મહિનામાં ડેન્ગ્યૂના 16 કેસ નોંધાયા છે. આ ઉપરાંત અલગ-અલગ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં શરદી-ઉધરસના 259 કેસ, ઝાડા-ઉલ્ટીના 95 કેસ અને સામાન્ય તાવના 31 કેસ નોંધાયા છે. રોગચાળાને નાથવા માટે 10,337 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. જ્યારે 195 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું છે. બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, સેલર, પાર્ટી પ્લોટ, વાડી, પેટ્રોલ પંપ અને સરકારી કચેરી સહિત કુલ 274 કોમર્શિયલ બિલ્ડીંગોમાં મચ્છરોની ઉત્પતિ સબબ ચેકીંગ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સાત સ્થળોએથી મચ્છરના પોરા મળી આવતા તમામને નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે 267 બિનરહેણાંક મિલકતોમાં પણ મચ્છરોનો ઉપદ્રવ દેખાતા તમામને નોટિસ અપાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.