મેલેરીયાના 4 અને ચિકનગુનિયાનો 1 કેસ નોંધાયો: મચ્છરની ઉત્પતિ સબબ 1362 લોકોને નોટિસ
શહેરમાં કોરોનાનું સંક્રમણ હવે નામશેષ થઈ ગયું છે પરંતુ ડેન્ગ્યુએ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુના વધુ 20 કેસો નોંધાતા કુલ કેસનો આંક 156એ પહોંચી જવા પામ્યો છે. મેલેરીયાના પણ 4 અને ચિકનગુનિયાનો 1 કેસ નોંધાયો છે. મચ્છરોની ઉત્પતિ સબબ 1362 લોકોને નોટિસ ફટકારવામાં આવી છે.
આ અંગે કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ મુજબ ગત 4 થી 10 ઓકટોબર સુધી એક સપ્તાહના સમયગાળામાં શહેરમાં ડેન્ગ્યુના વધુ 20 કેસો નોંધાતા કુલ કેસનો આંક 156એ પહોંચી જવા પામ્યો છે. આ ઉપરાંત મેલેરીયા 4 કેસ નોંધાતા કુલ કેસ 42 અને ચિકનગુનિયાનો 1 કેસ નોંધાતા કુલ કેસ 18એ પહોંચ્યા છે.
મચ્છરજન્ય રોગચાળાની અટકાયત માટે એક સપ્તાહમાં 7654 ઘરોમાં ફોગીંગની કામગીરી કરવામાં આવી હતી. બાંધકામ સાઈટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટલ, ઈન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પલેક્ષ, ભંગારના ડેલા, હોલ, પાર્ટી પ્લોટ, વાડી, ધાર્મિક સ્થળો, પેટ્રોલપંપ અને સરકારી કચેરી સહિત કુલ 787 સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
94016 ઘરોમાં પાણીના ટાંકામાં પોરાભક્ષક કામગીરી માટે દવા નાખવામાં આવી હતી. મચ્છરની ઉત્પતિ સબબ 1362 લોકોને નોટિસ ફટકારી રૂા.1,31,650નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. જે વિસ્તારોમાં પાણીના ખાડા ભરાયેલા રહે છે તેવા 330 ખાડાઓમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.શહેરમાં ડેન્ગ્યુના કેસ દિન-પ્રતિદિન વધી રહ્યાં છે જેનાથી તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
હજુ નવેમ્બર માસ સુધી ડેન્ગ્યુનો અજગરી ભરડો યથાવત રહે તેવી સંભાવના જણાય રહી છે. લોકોને પોતાના ઘરમાં પાણી ભરાયેલું ન રહે તેનું ખાસ ધ્યાન રાખવા પણ તાકીદ કરવામાં આવી છે.