સ્વાઈન ફલુના ૨, મેલેરીયાના ૫, ટાઈફોઈડના ૩ અને કમળાના ૨ કેસો મળી આવ્યા: ઘેર-ઘેર માંદગીના ખાટલા, દર્દીઓથી ઉભરાતા દવાખાનાઓ

દિવાળીના તહેવારના ટાંકણે જ શહેરમાં ઘેર-ઘેર માંદગીના ખાટલા ખડકાયા છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો રીતસર દર્દીઓથી ઉભરાઈ રહી છે. રાજકોટમાં માંગો તે તાવ હાજર હોય તેવું લાગી રહ્યું છે. ડેન્ગ્યુએ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુના વધુ ૧૯ કેસો મળી આવતા શહેરભરમાં ભારે ફફડાટ મચી જવા પામ્યો છે.

આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરના સીતારામ પાર્ક, શાસ્ત્રીનગર, કોઠારીયા સોલવન્ટ, માનસરોવર પાર્ક, ગાંધીગ્રામ, જયપ્રકાશનગર, નવયુગપરા, ભોમેશ્ર્વર, રૈયા સ્લમ કવાર્ટર, શ્રીરામ પાર્ક, પરસાણાનગર, ન્યુ વિજયનગર, જંગલેશ્વર, દેવકીનંદન, વિનોદનગર આવાસ, રેલનગર, જંકશન પ્લોટ અને આલાપ ગ્રીન સીટી વિસ્તારમાંથી ડેન્ગ્યુ તાવના ૧૯ કેસો મળી આવ્યા છે.

આ ઉપરાંત અલગ અલગ સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાંથી સામાન્ય શરદી, ઉધરસ અને તાવના ૧૫૮ કેસ, ઝાડા-ઉલટીના ૯૪ કેસ, ટાયફોઈડના તાવના ૩ કેસ, સિઝનલ ફલુ (સ્વાઈન ફલુ)ના ૨ કેસ, મરડાના ૮ કેસ, મેલેરીયાના ૫ કેસ, કમળા તાવના ૨ કેસ અને અન્ય તાવના ૩૪ કેસો મળી આવ્યા છે.

તેઓએ ઉમેર્યું હતું કે, મચ્છરજન્ય રોગચાળાની અટકાયત માટે ૫૯૦૧ ઘરોમાં ફોગીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શાળા, કોલેજ, હોટલ, હોસ્પિટલ અને બાંધકામ સાઈટ સહિત કુલ ૨૧૨ જગ્યાએ ચેકિંગ હાથ ધરાયું હતું અને એક મચ્છરની ઉત્પતિ સબબ ૧૩૨ આસામીને નોટીસ ફટકારી રૂ.૮ હજારનો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે. ૪૭ ઘરમાં પોરાભક્ષક માછલીનું વિતરણ કરાયું હતું.

જયારે ૩૧૧૩૨ ઘરોમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી. ખોરાકજન્ય રોગચાળાની અટકાયત માટે ૫૯ રેકડી, ૫૪ દુકાન, ૧૯ ડેરીફાર્મ, ૨૧ હોટલ રેસ્ટેરેન્ટ, ૬ બેકરી સહિત ૧૨૯ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ૬૦૨ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરી ૨૨ વેપારીઓને નોટિસ આપવામાં આવી હતી અને ૭ સ્થળેથી નમૂના લેવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.