અબતક,વારિશ પટ્ટણી
ભુજ
જિલ્લામાં ડેન્ગ્યુના 65, ચીકનગુનિયાના 7 અને મેલેરિયાના 255 પોઝીટીવ કેસો નોંધાતા તંત્ર એલર્ટ બન્યું છે. જે અંતર્ગત જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લામાં ત્રણ રાઉન્ડમાં મચ્છર નિયંત્રણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચીકનગુનિયાના નિયંત્રણ માટે સમયસર નિદાન અને વહેલી સારવારની સાથે, પ્રત્યેક ઘરની મુલાકાત અને ખાસ કરીને મચ્છરના સંભવિત ઉત્પત્તિ સ્થાનો શોધીને સલામત બનાવવાની સાથે પોરાનાશક વ્યાપક કામગીરી તેના હેઠળ કરાઈ છે.
જીલ્લામાં સર્વેક્ષણમાં 1547 ઘરમાં મચ્છર ઉત્પતિ સ્થાન મળ્યાં
આ અભિયાન હેઠળ જિલ્લા તંત્ર વિભાગને સર્વેક્ષણ દરમિયાન 130361 ઘરોમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાન મળ્યા છે. ઘરોમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો મળી આવતા પોરાનાશક કામગીરી દ્વારા અને સલામત બનાવવાની સાથે લોકોને મચ્છર ઉત્પતિ શક્યતા અટકાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
6 લાખથી વધુ વસ્તી અને 1 લાખથી વધુ ઘરોને આવરી લઇને આ વ્યાપક કામગીરી કરાઈ છે તેના હેતુ 4.30 લાખથી વધુ પાણી ભરવા માટે ઉપયોગમાં લેવાતા પાત્રોની તપાસ કરીને 1893થી વધુ મચ્છર ઉત્પાદન સ્થળોને સલામત બનાવ્યા હતા, તેની સાથે ઘર તપાસ દરમ્યાન મળી આવેલા તાવના કેસોમાં લેબોરેટરી તપાસ માટે 3044 લોકોના લોહીના નમુના લઈને પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જિલ્લા આરોગ્ય તંત્રે લોકોને મચ્છરોની ઉત્ત્પત્તિ અટકે તે માટે તકેદારીના જરૂરી પગલા લેવા અનુરોધ કર્યો છે.