સામાન્ય અને તાવના ૨૩૦, ઝાડા-ઉલ્ટીના ૧૭૧, મરડાના ૧૩ કેસો મળી આવ્યા: ઘેર-ઘેર માંદગીના ખાટલા: દર્દીઓથી ઉભરાતા દવાખાનાઓ
કોર્પોરેશનની કહેવાતી આરોગ્યલક્ષી કામગીરીને મચ્છરો રીતસર નાકામ બનાવી રહ્યા છે. ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરીયા સહિતના રોગચાળાએ રાજકોટમાં અજગરી ભરડો લીધો છે. છેલ્લા એક સપ્તાહમાં શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરીયાના ૩૨ કેસો મળી આવતા આરોગ્ય શાખામાં દોડધામ મચી જવા પામી છે. સ્વાઈનફલુનો ભયાનક રોગ પણ રોજ દર્દીઓના ભોગ લઈ રહ્યો છે.આ અંગે મહાપાલિકાની આરોગ્ય શાખાના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ છેલ્લા સપ્તાહમાં શહેરની અલગ-અલગ સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાંથી ડેન્ગ્યુ તાવના ૮ કેસો, ચિકનગુનિયા તાવના ૧૯ કેસો, મેલેરિયાના તાવના ૫ કેસો મળી આવ્યા છે.આ ઉપરાંત સામાન્ય અને તાવના ૨૦૯ કેસ, ઝાડા-ઉલ્ટીના ૧૭૧ કેસ, ટાઈફોઈડ તાવના ૩ કેસ, મરડાના ૧૩ કેસ, કમરા તાવના ૨ કેસ અને અન્ય તાવના ૨૧ કેસો મળી આવ્યા છે.ખોરાકજન્ય રોગચાળાના અટકાયત માટે ફુડ શાખા દ્વારા છેલ્લા એક સપ્તાહમાં ૨૩ રેકડી, ૨૨ દુકાન, ૨૨ ડેરીફાર્મ, ૧૮ હોટલ, ૧૦ બેકરી અને ૩૫ અન્ય સ્થળ સહિત કુલ ૧૩૦ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૨૮૬ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરી ૭ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે. મચ્છરજન્ય રોગચાળાની અટકાયત માટે ૫૧,૦૦૧ ઘરોમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. ૩૭૯૦ ઘરોમાં મચ્છરોના નાશ માટે ફોગીંગ હાથ ધરવામાં આવ્યું હતું. મચ્છરની ઉત્પતિ સબબ ૧૧૪ સ્થળોએ ચેકિંગ હાથધરી ૧૦૨ આસામીઓને નોટિસ ફટકારી રૂ.૨૧૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.મહાપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતું પાણી પીવાલાયક છે કે કેમ ? તે માટે કલોરીનેશન ટેસ્ટ કરવા શહેરના ત્રણેય ઝોન વિસ્તારમાંથી ૪૯૬ સ્થળોએથી પાણીના નમુના લેવામાં આવ્યા હતા. જે તમામ પરીક્ષણમાં પાસ થયા છે.મહાપાલિકા તંત્ર દ્વારા રોગચાળાને નાથવા માટે અનેક ઝુંબેશો હાથ ધરવામાં આવે છે પરંતુ મચ્છરો મહાપાલિકાથી વધુ પાવરધા હોય તેમ દિનપ્રતિદિન રોગચાળાના આંકડા સતત વધીને આવી રહ્યા છે.