મચ્છરોની ઉત્પતિ સબબ 352 આસામીઓને નોટિસ ફટકારાઇ
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આજે રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગત સપ્તાહે શહેરમાં ડેન્ગ્યૂ અને મેલેરિયાએ દેખા દેતા આરોગ્ય શાખાના સ્ટાફમાં દોડધામ મચી જવા પામી છે. મચ્છરોની ઉત્પતિ સબબ 301 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત ગત સપ્તાહે શહેરમાં ડેન્ગ્યૂનો એક અને મેલેરિયાનો એક કેસ નોંધાયો છે. આ સાથે ચાલુ સાલ ડેન્ગ્યૂના કુલ નવ અને મેલેરિયાના કુલ છ કેસો નોંધાયા છે. આ ઉપરાંત શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં શરદી-ઉધરસના 186 કેસ, સામાન્ય તાવના 78 કેસ અને ઝાડા-ઉલ્ટીના 106 કેસો નોંધાયા છે. અલગ-અલગ વિસ્તારોમાં 114 ઘરોમાં ફોગીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને 14856 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, કોમ્પ્લેક્સ, ભંગારના ડેલા, સેલર, પેટ્રોલ પંપ, ધાર્મિક સ્થળ, સરકારી કચેરી સહિતની બિનરહેણાંક મિલકતોમાં મચ્છરોની ઉત્પતિ અંગે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યારે રહેણાંક વિસ્તારોમાં મચ્છરની ઉત્પતિ જણાતા 352 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે.