તાવ, ૧૬૪, ઝાડા-ઉલટીના ૧૩૧, મરડાના ૧૪ અને ટાઈફોઈડના ૬ કેસો નોંધાયા: ઘેર-ઘેર માંદગીના ખાટલા
સતત વરસાદી વાતાવરણના કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સ્વાઈન સહિતના રોગચાળાએ કાળો કહેર મચાવ્યો છે. શહેરમાં ડેન્ગ્યુ અને મેલેરીયા તાવના વધુ ચાર કેસો મળી આવતા શહેરીજનોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. મહાપાલિકાની કહેવાતી આરોગ્યલક્ષી કામગીરીને મચ્છરો સરેઆમ નિષ્ફળ બનાવી ર્હયાં છે.
શહેરની અલગ અલગ સરકારી તથા ખાનગી હોસ્પીટલોના ચોપડે છેલ્લા એક સપ્તાહ દરમિયાન સામાન્ય શરદી, ઉધરસ અને તાવના ૧૬૪ કેસ, ઝાડા-ઉલ્ટીના ૧૩૧ કેસ, ટાઈફોઈડ તાવના ૬ કેસ, ડેન્ગ્યુના ૨ કેસ, મરડાના ૧૪ કેસ, મેલેરીયાના ૨ કેસ, કમળાના ૫ કેસ અને અન્ય તાવના ૨૯ કેસો મળી આવ્યા છે.
ખોરાકજન્ય રોગચાળાની અટકાયત માટે રેકડી, દુકાન, ડેરીફાર્મ, હોટલ, બેકરી સહિત કુલ ૧૫૧ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૩૨૯ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરી ૧૧ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે. મચ્છરજન્ય રોગચાળાની અટકાયત માટે ૩૫૮૭ ઘરોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મચ્છરોની ઉત્પતિ સબબ ૧૨૭ લોકોને નોટિસ ફટકારી ૨૯૩૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. જળાશયોમાં આવેલા નવા નીરનો ઉપાડ કરી પાણી વિતરણ શ‚ કરવામાં આવ્યું હોય. શહેરભરમાં ડહોળા પાણીની ફરિયાદોનો ધોધ છુટી રહ્યો છે ત્યારે મહાપાલિકા દ્વારા ૫૩૦ સ્થળોએથી પીવાના પાણીના નમુના લેવામાં આવ્યા હતા. જે તમામ પરિક્ષણમાં પાસ થયા છે.