રાહુલ ગાંધી, જામનગર
આજે સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 222મી જન્મ જયંતિ છે.આ અવસર નિમિતે જલારામ મંદિર સેવા સંસ્થા દ્વારા જામનગરમાં ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી હતી. સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 222મી જન્મ જયંતિ નિમિત્તે જલારામ બાપાના સુત્ર દેને કો ટુકડા ભલો, લેને કો હરિનામને સાર્થક કરવા માટે દરેક જલારામભક્તો દ્વારા મહાપ્રસાદ વિતરણનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો.
બાપાનો મહાપ્રસાદ પહોંચાડવાના સંકલ્પરૂપે જલારામ જયંતિ મહોત્સવ સમિતિ તરફથી સમગ્ર જામનગર શહેરના 36થી પણ વધારે સ્થળો પરથી એકી સાથે મહાપ્રસાદ વિતરણનો રાખવામાં આવ્યો છે. જામનગરની સેવાભાવી સંસ્થા જલારામ સેવા ટ્રસ્ટ, પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ તથા જલારામ મંદિર-હાપા દ્વારા ચલાવાતા અન્નક્ષેત્રના 25 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે સમગ્ર શહેરમાં આ મહાપ્રસાદ વિતરણનું અનોખુ આયોજન કરવામાં આવ્યું હતું.
છોટી કાશીના તમામ જલારામ ભક્તોને ઘેર ઘેર સુધી મહાપ્રસાદ કોવિડ ગાઈડલાઇન સાથે પહોંચી શકે, તેના ભાગરૂપે આ આયોજન કરવામાં આવ્યું હતું. આ દરેક સ્થળો પર બપોરે 12 વાગ્યે એકસાથે સૌપ્રથમ જલારામ બાપાની આરતી કરવામાં આવી અને ત્યાર પછી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યુ હતું