જલિયાણ ધામ વિરપુરના દ્વાર 65 દિવસ બાદ ફરી ખૂલ્લા મૂકવામાં આવ્યા છે. ભાવિકોએ દર્શન કરી  ધન્યતા અનુભવી હતી મંદિરના દ્વાર ખૂલતા ભાવિકોની ભીડ ઉમટી પડતી હતી. દર્શનાર્થીઓને કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પણે પાલન કરી પ્રવેશ આપવાનો નિર્ણય લેવાયો છે.

” કો ટુકડા ભલા લેને કો હરી કા નામ” સૂત્રને જીવનમંત્ર બનાવનાર પૂજ્ય સંતશ્રી જલારામબાપાની જગ્યા કોરોનાની બીજી લહેરને લઈને વધુ સંક્રમણ ન ફેલાઈ તે માટે 11 એપ્રિલના રોજ જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપા દ્વારા દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવી હતી પરંતુ કોરોના સંક્રમણનું પ્રમાણ ઓછું થતા સરકાર દ્વારા 11 જૂનથી સમગ્ર રાજ્યના ધાર્મિક સ્થળોને ખોલવાના નિર્ણયને લઈને બંધ કરવામાં આવેલ પૂજ્ય જલારામ બાપાની જગ્યાના  મંગલ દ્વાર 65 દિવસ બાદ ફરી દર્શનાર્થીઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા.

આજ સવારથી પૂજ્ય જલારામ બાપાની જગ્યાના મંગલ દ્વાર ખુલતાજ પૂજ્ય જલારામ બાપાના દર્શન કરવા માટે બહોળી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા, પૂજ્ય જલારામ બાપાના દર્શન માટે સરકારની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરી સોશ્યલ ડિસ્ટન્સીંગના પાલનની અને સેનિટેશનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક દર્શનાર્થીઓને સૌ પ્રથમ વીરપુરમાં આવેલ માનકેશ્વર મંદિરની બાજુમાં રજીસ્ટ્રેશન કાર્યાલયેથી પોતાનું રજીસ્ટ્રેશન કરાવી ટોકન મેળવીને સેનીટાઈઝ ચેમ્બરમાં સેનેટાઇઝ થયા બાદ જ પૂજ્ય બાપાની જગ્યામાં પ્રવેશ મળશે. ઉપરાંત મોઢા પર માસ્ક બાંધવું પણ ફરજીયાત કરવામાં આવ્યું છે.

દર્શનનો સમય સવારે 7 થી બપોરના એક વાગ્યા સુધી ત્યારબાદ એકથી ત્રણ વાગ્યા સુધી વિરામ અને ત્રણથી સાંજના સાત સુધી દર્શનાર્થીઓ દર્શન કરી શકશે તેમજ સવાર સાંજ આરતીમાં  કોઈ દર્શનર્થીઓને પ્રવેશ આપવામાં આવશે નહિ તેમજ ભાવિકો માટે હાલ અન્નક્ષેત્ર બંધ રહેશે, વીરપુર આવતા ભાવિકો સરકારી નિયમોને આધીન આજથી પૂજ્ય જલારામ બાપાના દર્શન કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.