મ્યુનિસીપલ કમિશનરને લેખિત રજૂઆત કરતા મહેશ બુધવાણી
અમીન માર્ગ પર આવેલ મ.ન.પા. નિર્મિત રોટરી કલબ ઓફ મીડટાઉન સંચાલીત લાયબ્રેરીમાં પ્રજા બેફામ લૂંટાય છે. જેમાં સેવાનો હેતુ રહ્યો જ નથી અને આ લાયબ્રેરી નફાના હેતુસર ધંધાનું સાધન બની ગયું છે. જેમાં રૂ.૧૦/- લેખે ફોર્મ વેચાય છે. જેમાં પુસ્તકની ડીપોઝીટ ૨૫૦/-, ૫૦૦/- અને ૫૦૦૦/- જેવી ડિપોઝીટની રકમ નકકી કરવામાં આવેલી છે. અને વાર્ષિક લવાજમ રૂ.૨૦૦/-, ૫૦૦/-, ૮૦૦/- અને ૬૫૦૦/- જેવી વાર્ષિક ફી છે. પ્રજાના પૈસે નિર્માણ થયેલી લાયબ્રેરી અને પ્રજા જ લૂંટાય ? હાલમાં કોર્પો. સંસ્થાને નિભાવ ખર્ચ માટે આશરે રૂ.૫૦,૦૦૦/-ની માસીક ગ્રાન્ટ પણ આપે છે. આમ કોઈ પણ સંસ્થા સરકારી ગ્રાન્ટ લે છતાં પણ પ્રજાલક્ષી સેવાકીય એકમ થકી રોટરી કલબ ઓફ મીડટાઉન સંસ્થાએ લાયબ્રેરીને એક ધંધાકીય સાધન બનાવેલ છે.
મહાનગરપાલિકા આ લાયબ્રેરીનું સંચાલન પોતે સંભાળી લે તો તે પ્રજાના હિતમાં છે. કારણ કે દર મહિને આપવામાં આવતી ગ્રાન્ટ પણ ન આપવી પડે અને બિનજરૂરી સ્ટાફ પણ સચવાઈ રહે અને જો સ્ટાફ ન હોય તો આપવામાં આવતી ગ્રાન્ટની રકમમાંથી અન્ય કર્મચારીની ભરતી પણ કરી શકાય જેથી બેરોજગારીનો પ્રશ્ન પણ હલ થાય અને લાયબ્રેરીનું સંચાલન સરસ અને સરળતાથી થઈ શકે તેમ છે. ઉપરોકત તમામ વિગતને ધ્યાનમાં લઈ અમીન માર્ગ પર આવેલી લાયબ્રેરીનું સંચાલન દિવસ ૧૫માં જરૂરી કાર્યવાહી કરી રા.મ.ન.પા. નહીં સંભાળે તો ના છૂટકે જાહેર જનતાના હિતમાં જવાબદારો સામે કોર્ટ કાર્યવાહી કરવાની ફરજ પડશે તેમ મહેશભાઈ બુધવાણીએ મનપાના કમિશનરને પત્ર લખી જણાવ્યું છે.