લોકોમાં રોષ: પીપાવાવ ધામમાં જમીન મુકિત આંદોલનના કારણે કાગળ પર દેખાડો
રાજુલા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી હજારો એકર જમીનમાં ગેરકાયદેસર રીતે જીંગા ફાર્મો બિલાડીના ટોપની જેમ ફુટી નિકળ્યા છે. જે ભેરાઈ, પીપાવાવ, વિકટર, કથીવદર, સમઢીયાળા-૧, ખેરા, પટવા અને છેક ચાંચબંદર સુધીમાં ઠેક-ઠેકાણે સરકારી પડતર અને ગૌચર જમીનમાં રાજકીય મોટા માથાઓ અને સરકારી અધિકારીઓની મિલીભગતથી છડેચોક જીંગાઓનું લાખો ટન ઉત્પાદન કરવામાં આવી રહેલ છે. આવા જીંગા ફાર્મોમાં સરકારી અધિકારીઓ અને રાજકીય મોટામાથાઓ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યાની લોકમુખે ચર્ચાઓ ચાલી રહેલ છે.
આવા ગેરકાયદેસર રીતે ચાલતા જીંગા ફાર્મો સામે રાજુલા તાલુકાના પીપાવાવધામ ગામના સરપંચ સહિતના લોકો દ્વારા આ જીંગા ફાર્મો હટાવવા માટે આજે છેલ્લા ૬૫ દિવસથી આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે સરકાર ઉપર અને રાજુલાના સરકારી તંત્ર ઉપર લોકો માછલા ધોઈ રહ્યા હોય તેથી સરકારી તંત્ર દ્વારા પોતાના બચાવ માટે હજારો લોકોએ કરેલ દબાણ સામે ફકત ૮ લોકો સામે જ કાર્યવાહી શા માટે ? જેની સામે મોટા માથાઓ અને જીએચસીએલ કંપની સામે કાર્યવાહી શા માટે નહીં ? તેવા વૈદ્યક સવાલો લોકોમાંથી ચર્ચાઈ રહ્યા છે.
આ આઠ ઈસમોમાં શ્રીજી સોલ્ટ, કાળાભાઈ મુળુભાઈ વાઘ, હાંસીબેન સામતભાઈ બાંભણીયા, દેવાયતભાઈ લાખાભાઈ મકવાણા, કનુ બચુભાઈ મકવાણા, મુળજી અમરા ચૌહાણ, ચકુર લાલજી ગુજરીયા, રામભાઈ ગાંડાભાઈ લાખણોત્રા સામે દબાણ દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા લોકોમાં તરેહ તરેહના સવાલો ઉભા થયેલ છે. આ સમગ્ર મામલાની ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવે અને રાજકીય માણસોના અને ઉચ્ચ અધિકારીઓના કોલ્સ ડીટેઈલ તપાસવાની માંગ ઉઠેલ છે. આ વિસ્તારમાં જીંગા ફાર્મ હટાવવા માટે આંદોલન ચલાવી રહેલા પીપાવાવ ધામના લોકોને સરકાર હંફાવવા માંગે છે કે શું ? કે પછી કોઈ રાજકીય ઈશારે સરકારી તંત્ર કામ કરી રહેલ છે તે તો આવનારો સમય જ કહેશે.