ટીપી સ્કીમ નં.16 (રૈયા)ના સર્વે નં.26 પૈકી 12 મીટર રોડ પર ફેન્સીંગ અને પ્લીન્થનું બાંધકામ દૂર કરી 150 ચો.મી. જમીન ખૂલ્લી કરાવાઇ

અબતક, રાજકોટ

મ્યુનિ. કમિશનર અમિત અરોરાના આદેશના પગલે ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા શહેરના યુનિવર્સિટી રોડ પર એફએસએલ લેબની પાછળ ટીપી સ્કિમ નં.16 (રૈયા)માં 12 મીટર ટીપીના રોડ પર ફેન્શીંગ અને પ્લીંથનું બાંધકામ દૂર કરી 150 ચો.મી. જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી.

આ અંગે વધુ માહિતી આપતાં ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી. સાગઠીયાએ જણાવ્યું હતું કે શહેરના યુનિવર્સિટી રોડ પર એફએસએલ લેબની પાછળના વિસ્તારમાં ટીપી સ્કિમ નં.16 (રૈયા)ના સર્વે નં.26 પૈકીના 12 મીટરના રોડ ફેન્શીંગ અને પ્લીંથનું બાંધકામ ખડકી દેવામાં આવ્યું હતું. જેના કારણે રસ્તો બંધ જેવો થઇ ગયો હતો. દબાણ દૂર કરી અંદાજે 150 ચો.મી. જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી. ડિમોલીશનની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે હાથ ધરવામાં આવી હતી. કોઇ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.

રૈયા ચોકડીથી રૈયા સ્મશાન સુધી 9 સ્થળે પાર્કિંગ ખૂલ્લા કરાવાયા

છાપરા અને થાંભલા સહિતના દબાણો હટાવી દેવાયા

વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત ટીપી શાખા દ્વારા શહેરના વેસ્ટ વિસ્તારમાં રૈયા ચોકડીથી રૈયા સ્મશાન સુધીમાં માર્જીન અને પાર્કિંગની જગ્યામાં 9 સ્થળે ખડકાયેલા દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. જેમાં નિકુંજભાઇ ગઢીયાની રાધે ડેરી, દિપકભાઇ ઝાલાના જોકર ગાંઠીયા, ભીમભાઇ રબારી દ્વારા ખડકાયેલું દબાણ, હસમુખભાઇના બાલકૃષ્ણ ફરસાણનું છાપરુ, નસીમખાનના તાજ ફર્નિચરમાં માર્જીન સ્પેસથી થાંભલો અને છાપરૂં, જેલાનીઆમો આઇસ્ક્રીમ દ્વારા માર્જીનમાં ખડકી દેવાયેલો થાંભલો, સાયકલ સ્ટ્રેન્ડનું દબાણ અને સન પ્લાઝાનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.