વોર્ડ નં.૫માં ટીપી સ્કીમ નં.૮ના શોપીંગ સેન્ટર હેતુના પ્લોટ પર ખડકાયેલા દબાણ પર બુલડોઝર ફેરવી દેવાયું
રાજકોટ મહાનગરપાલિકાની ઈસ્ટ ઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે શહેરના સામાકાંઠા વિસ્તારમાં વોર્ડ નં.૫માં ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ટીપીના શોપીંગ સેન્ટર બનાવવાના હેતુના પ્લોટમાં ખડકાયેલા ઓરડીના બાંધકામ પર બુલડોઝર ફેરવી બજાર કિંમત મુજબ અઢી કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
આ અંગે વધુ માહિતી આપતા ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાએ જણાવ્યું હતું કે, મ્યુનિ.કમિશનરની સુચના મુજબ આજે સવારે શહેરના ઈસ્ટ ઝોન વિસ્તારમાં વોર્ડ નં.૫માં ટીપીના અનામત પ્લોટમાં ગેરકાયદે ખડકાયેલા બાંધકામને દૂર કરવા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં વોર્ડ નં.૫માં ટીપી સ્કીમ નં.૮ (રાજકોટ)ના શોપીંગ સેન્ટર હેતુના અંતિમ ખંડ નં.૧૯૫ પૈકીના આશરે ૫૦૦ ચો.મી.ની જગ્યામાં એક ઓરડીનું બાંધકામ ખડકાઈ ગયું હતું. જેના પર આજે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને ૨.૫૦ કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. ડિમોલીશનની કામગીરી પોલીસ અને વિજીલન્સ બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવી હોય કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.