વેસ્ટ ઝોન કચેરીની ટીપી શાખા ત્રાટકી: છાપરા, ઓટલા, બેનરો સહિતનાં દબાણો હટાવાયા
શહેરનાં મુખ્ય ૪૨ રાજમાર્ગો પૈકી ૧૨ રાજમાર્ગો પર વાહનો અને નાગરિકોની સુચારું અવર-જવર થઈ શકે તે માટે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા જાહેરનામું પ્રસિઘ્ધ કરવામાં આવ્યું છે. જેમાં ૧૨ રોડ પર દબાણ કે આડેધડ વાહન પાર્કિંગ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. આજે કોર્પોરેશનની વેસ્ટ ઝોન કચેરીની ટીપી શાખા દ્વારા શહેરનાં વોર્ડ નં.૧૦માં કાલાવડ રોડ પર ઓપરેશન ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં માર્જીન પાર્કિંગની જગ્યામાં ખડકાયેલા ૧૬ દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.
આ અંગે વધુ માહિતી આપતાં ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાએ જણાવ્યું હતું કે, આજે કાલાવડ રોડ પર માર્જીન અને પાર્કિંગની જગ્યામાં ખડકાયેલા દબાણો અને ગેરકાયદે બાંધકામ દુર કરવા માટે ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં અમીરસ બિલ્ડીંગ, વેગાસ ચશ્મા, કે.કે.પાન, હોટલ શ્રીજી, શ્રી શકિત ટ્રાઈસ, વન ટ્રેડ સેન્ટર, સિલ્વર કોઈન બિલ્ડીંગ, ડિલકસ પાન, શ્રી શકિત ટી સ્ટોલ, રજવાડી રેસ્ટોરન્ટ, પટેલ ફરસાણ, જય ખોડિયાર, જય સીયારામ ટી સ્ટોલ, ડિલકસ પાન અને આશાપુરા પાન સહિત અલગ-અલગ ૧૬ જગ્યાએ પાર્કિંગની જગ્યામાં ખડકાયેલા દબાણો, છાપરા, ઓટલા સહિતનું દબાણ દુર કરી માર્જીન પાર્કિંગ ખુલ્લું કરાવવામાં આવ્યું હતું. ચુસ્ત વિજિલન્સ બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરવામાં આવી હોય કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.