વોર્ડ નં.2માં આરાધના સોસાયટી પાસે વોંકળામાં ગેરકાયદે ખડકાયેલા દબાણનો પણ સફાયો
અબતક, રાજકોટ
વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં વોર્ડ નં.14 અને 17માં સમાવિષ્ટ થતાં ભક્તિનગર સર્કલથી ગાયત્રીનગર મેઇન રોડ પર ત્રિશૂલ ચોક સુધીના વિસ્તારમાં ગેરકાયદે ખડકાયેલા દબાણો અને માર્જીન-પાર્કિગની જગ્યા ખૂલ્લી કરાવવા માટે ઓપરેશન ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું.જે અંતર્ગત અલગ-અલગ 9 સ્થળોએ છાપરા, દિવાલ, રેલીંગ અને બોર્ડ સહિતના દબાણો દૂર કરી 7,250 ચોરસ ફૂટ જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી.
આ અંગે વધુ માહિતી આપતા ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી. સાગઠીયાએ જણાવ્યું હતું કે આજે ગાયત્રીનગર મેઇન રોડ પર હરિયોગી લાઇવ પફ દ્વારા ખડકાયેલું છાપરાનું દબાણ, જેન્ટલ બાબર શોપ દ્વારા માર્જીનમાં કરાયેલું દિવાલનું દબાણ, શ્રીજી ડ્રેસીસનું છાપરાનું દબાણ, મનસાતીર્થ-1 કોમ્પ્લેક્સમાં માર્જીનમાં બોર્ડ તથા દિવાલનું દબાણ, યશ કોમ્પ્લેક્સમાં છાપરાનું દબાણ, શ્રી કોમ્પ્લેક્સ, રોશની કોમ્પ્લેક્સ, અનિરૂદ્વ કોમ્પ્લેક્સ અને એસબીઆઇની વાણીયાવાડી બ્રાન્ચ દ્વારા માર્જીનમાં કરાયેલું રેલીંગનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. અંદાજે 7,250 ચોરસ ફૂટ જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી. આ ઉપરાંત શહેરના વોર્ડ નં.2માં આરાધના સોસાયટી પાસે વોંકળામાં દબાણ ખડકાયું હોવાના કારણે વરસાદી પાણીના નિકાલમાં સમસ્યા ઉભી થતી હોવાની ફરિયાદો ઉઠી રહી હતી. જેને ધ્યાનમાં રાખી આજે વોંકળાના દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા.