ટીપી સ્કીમ નં.૯, ૧૯, ૨૩ અને ૨૪માં અનામત હેતુના પ્લોટ પર ખડકાયેલી દિવાલ, ઓરડી અને ફેન્સીંગ સહિતના બાંધકામો હટાવાયા
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીના આદેશ બાદ આજે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા શહેરના વોર્ડ નં.૨ અને ૩માં અલગ-અલગ ૪ ટીપી સ્કીમના અનામત પ્લોટ પર ગેરકાયદે ખડકાયેલા ૭ જેટલા બાંધકામો દુર કરી બજાર કિંમત મુજબ રૂ.૪૫.૨૦ કરોડની ૧૨,૬૦૧ ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. આ અંગે વધુ માહિતી આપતા ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાએ જણાવ્યું હતું કે, આજે હાથ ધરવામાં આવેલા ડિમોલીશનમાં શહેરના વોર્ડ નં.૨માં ટીપી સ્કીમ નં.૯ (પ્રારંભીક)ની દરખાસ્ત મુજબ મુળ ખંડ નં.૩૨/૭નો ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર કમ્પાઉન્ડ વોલ તથા ઓરડીનું બાંધકામ દુર કરી આશરે ૧૫૦૦ ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. આ ઉપરાંત આજ ટીપી સ્કીમમાં રહેણાંક વેચાણ હેતુના અંતિમ ખંડ નંબર આર/બે માંથી કમ્પાઉન્ડ વોલનું બાંધકામ દુર કરી ૫૩૪૬ જમીન ખુલ્લી કરાવાઈ હતી.
ત્યારબાદ ટીપી શાખાનો કાફલો વોર્ડ નં.૩માં ત્રાટકયો હતો અહીં ટીપી સ્કીમ નં.૨૩ (રાજકોટ)ના સ્કુલ તથા પ્લે ગ્રાઉન્ડ હેતુના અંતિમ ખંડ નંબર ૪૮/એ માંથી ઓરડીનું બાંધકામ દુર કરી ૨૭૫૫ ચો.મી. જમીન જયારે ટીપી સ્કીમ નં.૨૪ (રાજકોટ)ના સ્કુલ અને પ્લે ગ્રાઉન્ડ હેતુના અંતિમ ખંડ નંબર ૨/સી માંથી બાંધકામ દુર કરી ૨૭૫૫ ચો.મી. જયારે વોર્ડ નં.૩માં ટીપી સ્કીમ નં.૧૯ (રાજકોટ)ના વાણિજય વેચાણ હેતુ માટેના અંતિમ ખંડ નંબર ૨૫/બી માંથી છાપરા તથા ફેન્સીંગનું દબાણ દુર કરી ૩૦૦૦ ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. આજે કુલ ૭ બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા અને ૪૫.૨૦ કરોડની જમીન ખુલ્લીકરાવાઈ છે.