- વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા સ્થાનિકોની માંગ, કોર્પોરેશને પોલીસ પ્રોટેક્શન સાથે ડિમોલીશનની કામગીરી રાખી ચાલુ
જામનગરની સાધના કોલોની વિસ્તારમાં હાઉસિંગ બોર્ડના એમ 63 અને એમ 64 નંબરના બે બિલ્ડીંગ કે જે અતિ જર્જરી હાલતમાં છે, જેમાં આવેલા 24 ફ્લેટ કે જેના તમામ ફ્લેટ ધારકોને જગ્યા ખાલી કરાવડાવી દેવાઇ છે, અને તે બંને બિલ્ડીંગને જમીનદોસ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ સમયે સ્થાનિકોએ જોરદાર વિરોધ કર્યો છે, અને વૈકલ્પિક વ્યવસ્થા ની માંગણી કરાઈ છે. પરંતુ તંત્ર એ ભારે પોલીસ બંદોબસ્તની વચ્ચે ડિમોલેશન કાર્ય ચાલુ રાખ્યું છે. જામનગરની જૂની સાધના કોલોની વિસ્તારમાં એક વર્ષ પહેલાં જર્જરીત બની ગયેલું હાઉસિંગ બોર્ડનું એક બિલ્ડીંગ જમીન દોસ્ત થતાં તેમાં દબાઈ જવાથી ચાર વ્યક્તિએ જીવ ગુમાવ્યા હતા.
દરમિયાન તંત્ર દ્વારા આ વિસ્તારમાં આવેલા અન્ય કેટલાક બિલ્ડીંગમાં રહેતા નાગરિકોને તાત્કાલિક અસરથી નોટિસ આપીને જગ્યા ખાલી કરાવાઈ હતી. આ વિસ્તારમાં આવેલા એમ-63 અને એમ- 64 નંબરના અતિ જર્જરિત બનેલા બંને બિલ્ડીંગના 24 ફલેટને આજે તોડી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટુકડી, હાઉસિંગ બોર્ડની ટીમ દ્વારા ડિમોલેશન શરૂ કરાયું હતું.
ત્યારે ભારે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.સ્થાનિકો દ્વારા આ કાર્યવાહી સામે વિરોધ દર્શાવાયો છે, અને બંને હાથ જોડીને વૈકલ્પિક જગ્યા આપવા માટેની માંગણી કરવામાં આવી રહી છે. પરંતુ દ્વારા કોઈ પણ પ્રકારની રજૂઆતો સાંભળ્યા વિના અતિ જોખમી બંને બિલ્ડીંગો તોડી પાડવાનું શરૂ કરી દેવાયું છે.