કોર્પોરેશનમાં અનામત પ્લોટમાં ખડકાતા ધાર્મિક હેતુના બાંધકામને દૂર કરવા ટીપી શાખા વહેલી સવારમાં ત્રાટકી: સાત કરોડની જમીન ખુલ્લી કરાવાઈ
સામાન્ય રીતે દિવાળીના તહેવારના દિવસોમાં મહાનગરપાલિકાની ટીપી શાખા દ્વારા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવતી હોતી નથી પરંતુ એવા અહેવાલ મળ્યા હતા કે, શહેરના વોર્ડ નં.૪માં ચંદ્રપાર્ક વિસ્તારમાં એક ધાર્મિક હેતુનું બાંધકામ ખડકાઈ રહ્યું છે અને દિવાળી બાદ આ બાંધકામ પૂર્ણ થયે મંદિરમાં ભગવાનની મુર્તિ પણ મુકવામાં આવનાર છે.
ભગવાનની સ્થાપના થયા બાદ કોઈ વિવાદ ઉભો થાય તે પહેલા જ આજે ટીપી શાખા દ્વારા ચંદ્રપાર્કમાં કોર્પોરેશનની જમીનમાં ખડકાતા મંદિરને જમીન દોસ્ત કરી દેવામાં આવ્યું હતું અને રૂ.૭ કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. એકાએક મંદિરનું બાંધકામ તોડી પડાતા ભાવિકોમાં ભારો રોષ ફાટી નીકળ્યો હતો. મહિલાનું ટોળુ વોર્ડના કોર્પોરેટર રેખાબેન ગજેરાની આગેવાનીમાં રજૂઆત કરવા કોર્પોરેશન કચેરીએ ધસી આવ્યું હતું.
આ અંગે વધુ માહિતી આપતા ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાએ જણાવ્યું હતું કે, શહેરના વોર્ડ નં.૪માં મોરબી રોડ પર ચંદ્રપાર્કમાં ટીપી સ્કીમ નં.૧૭ના ફાઈનલ પ્લોટ નં.૫૦/એના આશરે ૨૨૫૦ ચો.મી.ના કોમર્શીયલ હેતુ માટેના અનામત પ્લોટ પર એક મંદિરનું બાંધકામ થતું હોવાની ફરિયાદ મળતા આજે ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા વહેલી સવારે ઓપરેશન ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું અને મંદિરનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. બજાર કિમત મુજબ આશરે ૭ કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી છે.
કાળી ચૌદશના તહેવારમાં જ મંદિરનું બાંધકામ તોડી પાડવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. વોર્ડ નં.૪ના કોંગી કોર્પોરેટર રેખાબેન ઠાકરશીભાઈ ગજેરાની આગેવાનીમાં આજે મહિલાઓના ટોળાએ મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીને ઉગ્ર રજૂઆત કરી હતી.
અને એવો આક્રોશ વ્યકત કર્યો હતો કે, સુચિત સોસાયટીમાં ગેરકાયદે બાંધકામ પુરજોશમાં ચાલી રહ્યાં છે જેની સામે તંત્ર દ્વારા આંખ મીચામણા કરવામાં આવી રહ્યાં છે. જયારે ઘણા સમયથી તૈયાર થયેલા મંદિરને કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના જ તોડી પાડવામાં આવ્યું છે. જેનાથી સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.