વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત હવે માત્ર હાજરી પૂરાવવા પૂરતી જ કામગીરી
નવા મ્યુનિસિપલ કમિશનર આવતાની સાથે જ અધિકારીઓ અને કર્મચારીઓ જાણે બિન્દાસ બની ગયા હોય તેવો રચાતો માહોલ
અમિત અરોરાની જગ્યાએ નવા મ્યુનિ.કમિશનર તરીકે આનંદ પટેલ આવતાની સાથે જ જાણે કોર્પોરેશનના કર્મચારીઓ અને અધિકારીઓ બિન્દાસ બની ગયા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. દબાણથી ખદબદતા શહેરના મુખ્ય રાજમાર્ગો પૈકીના એક એવા ઢેબર રોડ પર આજે વન વીક, વન રોડ અંતર્ગત ત્રાટકેલો ટીપી શાખાનો કાફલો માત્ર સાત સ્થળે દબાણ હટાવવામાં સફળ રહ્યો હતો. તમામ બ્રાન્ચ દ્વારા જાણે રોડ-શો કરવામાં આવ્યો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.
મ્યુનિ.કમિશનર આનંદ પટેલ અને ડીએમસી ચેતન નંદાણીના આદેશ બાદ આજે શહેરના વોર્ડ નં.3 અને 7માં સમાવિષ્ટ ત્રિકોણ બાગ ચોકથી કોર્ટ સુધીના ઢેબર રોડ પર ફૂટપાથ માર્જીન અને રોડ પર ખડકાયેલા દબાણો દૂર કરવા માટે ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. ઢેબર રોડ પર એકપણ દુકાન એવી નહિં હોય જ્યાં દબાણ ખડકાયેલું ન હોય છતાં ટીપી શાખા દ્વારા માત્ર સાત સ્થળોએ ઓટલા, છાપરા અને પોલનું દબાણ હટાવવામાં આવ્યું હતું.
જેમાં રામવિહાર પરોઠા હાઉસમાં ઓટલાનું દબાણ, હોટેલ ઓસ્કારમાં પોલનું દબાણ, જયદીપ એજન્સીમાં ઓટલા, મહાદેવ ટોયસમાં પાર્કિંગમાં ખડકાયેલું દબાણ, તિરૂપતિ નાસ્તા સેન્ટરમાં છાપરાનું દબાણ, ગાંધી માર્ટ અને સંસ્કૃતિ હેન્ડીક્રાફ્ટમાં પોલનું દબાણ તોડી પાડવામાં આવ્યું હતું. કુલ સાત સ્થળોએ ગેરકાયદે બાંધકામ દૂર કરવા માટે હાથ ધરાયેલી કામગીરીમાં 900 ફૂટ જગ્યા ખૂલ્લી કરાવવામાં આવી હતી. જે પરથી અનુમાન લગાવી શકાય કે જો ઢેબર રોડ પર ગંભીરતાથી ઓપરેશન ઓટલા તોડ હાથ ધરવામાં આવે તો કેટલી જગ્યા ખૂલ્લી થઇ શકે તેમ છે.
દબાણ હટાવ શાખાને પણ માત્ર એક જ રેકડી દેખાઇ !
ઢેબર રોડ પર રેકડી અને કેબિનોના ઠેર-ઠેર ખડકલા છે. આજે વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત દબાણ હટાવ શાખા દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી દરમિયાન આખા રોડ પરથી માત્ર હોસ્પિટલ ચોકમાં એક રેકડી જપ્ત કરવામાં આવી હતી. જ્યારે 47 પરચુરણ ચીજવસ્તુઓ અને 38 બોર્ડ-બેનરો જપ્ત કરવામાં આવ્યા હતાં. ખરેખર કામગીરી શંકાસ્પદ જણાઇ રહી છે. છતાં તંત્ર દ્વારા વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત આખો કાફલો સાથે લઇ જવામાં આવે છે અને કોઇ મોટી કામગીરી કરવામાં આવી રહી હોય તેવો માહોલ બનાવવામાં આવી રહ્યો છે. શહેરમાં એકપણ ફૂટપાથ દબાણ વિહોણી નથી. છતાં દબાણ હટાવ શાખા આંખ આડા કાન કરી રહી છે.