નવા માર્કેટીંગ યાર્ડ પાસે વોંકળામાં ઝુંપડા બાંધીને રહેતા ૨ લોકો પુરમાં ફસયાયા જેને રેસ્કયુ કરી બચાવાયા: રામનાથપરામાં દિવાલ ધરાશાયી: રેલનગર બ્રીજમાં કાર ફસાઈ
શહેરમાં ગત મધરાતે પડેલા સાડા આઠ ઈંચ જેટલા અનરાધાર વરસાદનાં કારણે શહેરમાં ભારે ખાના-ખરાબી જેવી સ્થિતિ સર્જાય જવા પામી છે. ૧૩ સ્થળોએ વરસાદી પાણી ભરાયા હતા. ૮ સ્થળોએ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. આજે સવારથી મહાપાલિકા દ્વારા શહેરનાં નિચાણવાળા વિસ્તારોમાં ફાયરની ટીમોને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. જયારે સલામતીનાં ભાગરૂપે બે જર્જરીત મકાનોનું ડિમોલીશન પણ કરી દેવામાં આવ્યું છે. પોપટપરા સહિત રેલનગર વિસ્તારમાં હજી વરસાદી પાણી ભરાયેલા છે. ડ્રેનેજની લાઈન ચોકઅપ થઈ જતાં ભારે ગંદકીનું સામ્રાજય ફેલાઈ ગયું છે.
ગઈકાલે પડેલા ભારે વરસાદનાં કારણે શહેરનાં બેડીપરા વિસ્તારમાં એક જર્જરીત મકાનનો એક ભાગ પડી ગયો હતો. ગંગેશ્ર્વર ચોક પાસે આવેલા આ મકાનને આજે તોડી પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત આનંદનગર હુડકો એલ-૧માં એક જર્જરીત મકાન ખાલી કરી તેને તોડી પાડવાની કામગીરી ચાલી રહી છે. ભારે વરસાદનાં કારણે નવા માર્કેટીંગ યાર્ડ પાસે વોકળામાં કાચા ઝુંપડા બાંધીને રહેતા બે લોકો વરસાદનાં પુરમાં ફસાયા હતા જેઓને રેસ્કયુ કરી બચાવી લેવામાં આવ્યા હતા. રામનાથપરામાં કપીલા હનુમાન મંદિર પાસે એક દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી અને રેલનગર બ્રિજમાં એક કાર ફસાઈ હતી જેને ક્રેઈનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. ભારે વરસાદનાં કારણે શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાં ૧૩ સ્થળોએ વરસાદી પાણી ભરાયા હોવાની ફરિયાદો કોલ સેન્ટરમાં નોંધાઈ હતી. જયારે ૮ સ્થળોએ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા.
કોર્પોરેશન દ્વારા આજે સવારે જર્જરીત મકાનોનું ડિમોલીશન કરી દેવામાં આવ્યું હતું. લલુડી વોંકળી, બંછાનગર, રાંદરડા તળાવ વિસ્તાર, પ્રદ્યુમનપાર્ક આસપાસનાં વિસ્તાર, રામનાથપરા, થોરાળા, ખોખડદડી સહિતનાં વિસ્તારોમાં સાવચેતીનાં પગલા લેવામાં આવ્યા હતા. નિચાણવાળા વિસ્તારોમાં ફાયર બ્રિગેડની ટીમોને સ્ટેન્ડ ટુ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.