બ્રિજને નડતરપ હંગામી દબાણો પણ દુર કરાયા: લક્ષ્મીવાડી મેઈન
રોડ પર કોર્પોરેશનની જગ્યામાં ખડકાયેલા દબાણનો સફાયો
રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે શહેરના વોર્ડ નં.૧૪માં નવયુગપરા-૫ પાસે દુધસાગર રોડ પર હાથ ધરવામાં આવેલા ડિમોલીશનમાં હાઈલેવલ બ્રીજને નડતરપ દુકાનો સહિતના દબાણો દુર કરવામાં આવ્યા હતા. જયારે લક્ષ્મીવાડી મેઈન રોડ પર કોર્પોરેશનની જગ્યામાં ખડકાયેલું દબાણનો સફાયો બોલાવી દેવાયો હતો. નવયુગપરા-૫માં હાઈલેવલ બ્રીજને નડતરપ અંદાજીત ૬૦ ચો.ફુટની છાપરાવાળી નવયુગ હેર આર્ટ નામની દુકાન તોડી પાડવામાં આવી હતી. આ ઉપરાંત અહીં ૧૬૦ ચો.ફુટ છાપરાવાળી સ્ક્રેપની દુકાન પણ હટાવી દેવામાં આવી હતી. જયારે ૧૦૦ ચો.ફુટ વિસ્તારમાં કલીન્થ લેવલ સુધીનું બાંધકામ દુર કરાયું હતું. આ ઉપરાંત શેઠ હાઈસ્કૂલ પાછળ લક્ષ્મીવાડી મેઈન રોડ પર કોર્પોરેશનની જગ્યામાં અનઅધિકૃત રીતે રખાયેલી રેકડીઓ પણ જગ્યા રોકાણ શાખા દ્વારા દુર કરવામાં આવી હતી.