વોર્ડ નં.3માં રેલનગર વિસ્તારમાં ટીપીના પ્લોટ પર ખડકાયેલા દબાણો અને વોર્ડ નં.7માં પેલેસ રોડ પર સિટી સેન્ટર બિલ્ડીંગમાં માર્જીનની જગ્યામાં ખડકાયેલા ટોયલેટ પર બુલડોઝર ફેરવી દેવાયું
કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા આજે નવનિયુક્ત મ્યુનિ.કમિશનર આનંદ પટેલના આદેશ બાદ આજે શહેરના વોર્ડ નં.3 અને વોર્ડ નં.7માં રેલનગર તથા પેલેસ રોડ વિસ્તારમાં ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. રેલનગરમાં ટીપીના અનામત પ્લોટ પર ખડકાયેલા દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. જ્યારે પેલેસ રોડ પર સિટી સેન્ટર બિલ્ડીંગમાં માર્જીનની જગ્યામાં ઉભું કરી દેવાયેલું ટોયલેટ-બાથરૂમ જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું હતું.
આ અંગે વધુ માહિતી આપતા ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાએ જણાવ્યું હતું કે ટીપી શાખા દ્વારા આજે શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં વોર્ડ નં.3માં રેલનગર વિસ્તારમાં ટીપી સ્કિમ નં.23 (રાજકોટ)ના એસઇડબલ્યૂએસ હેતુ માટેના ફાઇનલ પ્લોટ નં.4/એ તથા ટીપી સ્કિમ નં.19 (રાજકોટ)ના વાણિજ્ય વેંચાણ હેતુ માટેના અનામત એવા ફાઇનલ પ્લોટ નં.21/બી માં ગેરકાયદે ખડકાયેલા બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. 33 કરોડની બજાર કિંમત મુજબ 6,656 ચોરસ મીટર જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે શહેરના વોર્ડ નં.7માં પેલેસ રોડ પર સિટી સેન્ટર બિલ્ડીંગમાં વત્સલભાઇ રજનીકાંતભાઇ ધાનક નામના આસામીએ માર્જીનની જગ્યામાં ટોયલેટ-બાથરૂમ બનાવી લીધું હતું. જેના કારણે ન્યૂસન્સ ઉભું થતું હતું. આ અંગે સ્થાનિક લોકો અને બિલ્ડીંગમાં ઓફિસ-દુકાન ધરાવતા લોકો દ્વારા ફરિયાદ પણ કરવામાં આવી હતી. આજે પેલેસ રોડ પર હાથ ધરવામાં આવેલા ડિમોલીશનમાં માર્જીનમાં ખડકાયેલા ટોયલેટને તોડી પાડવામાં આવ્યું હતું. ડિમોલીશનની કામગીરી વીજીલન્સ બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવી હોવાના કારણે કોઇ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.