અબતક, રાજકોટ : પડધરી તાલુકા મામલતદાર દ્વારા આજે ન્યારા ગામે સરકારી જમીન ઉપરના દબાણો હટાવવા ડીમોલેશન હાથ ધર્યું હતું. જેમાં 6 જેટલા દબાણો હટાવવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર ન્યારા ગામના સર્વે નં.37ની સરકારી જમીન ઉપર ખડકાયેલા દબાણો હટાવવા મામલતદાર દ્વારા નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી. આ નોટીસની સમય મર્યાદા પૂર્ણ થતી હોય આજરોજ મામલતદારની ટિમ દ્વારા પોલીસ સ્ટાફને સાથે રાખી ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં ખેતી વિષયક 4 એકર દબાણ જેની અંદાજે કિંમત રૂ.12 કરોડ થાય છે. આ ઉપરાંત બિનખેતી વિષયક 5 જેટલા વંડા સહિતના 2000 ચો.મી.ના દબાણો જેની કિંમત અંદાજે રૂ. 1.25 કરોડ થાય છે. આમ રૂ.13.5 કરોડ જેટલી બજાર કિંમતની સરકારી જમીન ઉપરથી ગેરકાયદે દબાણો હટાવવામાં આવ્યા હતા.
આ કામગીરીમાં પડધરી મામલતદાર કે.જી.ચુડાસમા, સર્કલ ઓફિસર, નાયબ મામલતદાર દબાણ, રેવન્યુ તલાટી, માર્ગ મકાનના અધિકારી, પીજીવીસીએલના અધિકારી અને પોલીસ સ્ટાફ ખડેપગે રહ્યો હતો.