ટીપીના અનામત પ્લોટ પર ખડકાયેલા દબાણો દૂર કરી રૂ.30.20 કરોડની જમીન ખૂલ્લી કરાવાઇ
કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા આજે શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં ટીપીના અનામત પ્લોટ પર ખડકાયેલા દબાણો દૂર કરવા માટે ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 20 ઝૂપડા, બે ઓરડી અને એક ડેરી પર બુલડોઝર ફેરવી રૂ.30.22 કરોડની જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી.
આ અંગે વધુ માહિતી આપતા ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી. સાગઠીયાએ જણાવ્યું હતું કે આજે શહેરના વોર્ડ નં.1માં અલગ-અલગ બે સ્થળોએ ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ટીપી સ્કિમ નં.22 (રૈયા)ના અંતિમ ખંડ નં.13/એ (રહેણાંક વેચાણ) હેતુ માટેના ડ્રીમ સિટી પાસે મારવાડી વાસ સામે આવેલા 3136 ચો.મીટર વિસ્તારમાં 20 ઝૂપડા અને એક ડેરીનું ગેરકાયદે બાંધકામ ખડકી દેવામાં આવ્યું હતું. જેના પર બુલડોઝર ફેરવી રૂ.18.82 કરોડની જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી.
ત્યારબાદ ટીપીનો કાફલો વોર્ડ નં.9માં ટીપી સ્કિમ નં.16 (રૈયા)ના અંતિમ ખંડ નં.67/એ માં (એસસીડબલ્યૂએસએચ) હેતુના નંદ એમ્પાયર એપાર્ટમેન્ટ સામે પાટીદાર મેઇન રોડ પર આવેલા પ્લોટ પર ત્રાટક્યો હતો. અહિં 1629 ચો.મીટરના પ્લોટ પર બે ઓરડીનું બાંધકામ ખડકી દેવામાં આવ્યું હતું. જે તોડી પાડવામાં આવ્યું હતું અને 11.40 કરોડની જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી. આજે ડિમોલીશન દરમિયાન 20 ઝૂપડા, બે ઓરડી અને એક ડેરીને જમીનદોસ્ત કરી દેવામાં આવી હતી. ડિમોલીશનની કામગીરી ચુસ્ત પોલીસ અને વીજીલન્સ બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવી હોવાના કારણે કોઇ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.