સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે કરાયેલા બાંધકામો દૂર કરવા પશ્ચિમ મામલતદારની કાર્યવાહી : અંદાજે 10,000 ચો. મી. જેટલી સરકારી જમીન ખાલી કરાવાઈ
રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરાયેલા કાચા-પાકા મકાનો અને ઝુંપડાઓનું ડિમોલીસન કરીને જગ્યાઓ દબાણ મુક્ત કરવામાં આવી રહી છે. આજરોજ રાજકોટના રૈયાાધાર વિસ્તાર નજીકના સર્વે નં 318ના પ્લોટ નં 65/2 ની સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરાયેલા 15 જેટલા કાચા-પાકા મકાનો તથા 5 જેટલા ઝુંપડાઓ તથા નવું નિર્માણ પામી રહેલા બાંધકામનું ડિમોલીસન કરવામાં આવ્યું હતું.
સર્વે નં 318માં રૈયા થી ધંટેશ્વર જવાના 40 ફુટના રોડ ઉપર આવેલું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. તેમજ સર્વે નં 318 માં રૈયાધાર નજીક આવેલ સરદાર ચોક પાસે ને ઝુંપડા અને અડધું બાંધેલુ મકાન તોડી પાડીને જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. આ વિસ્તારમાં અન્ય ગેરકાયદે થયેલા બાંધકામોને ખાલી કરવા નોટીસ પાઠવવામાં આવી છે. અંદાજીત 10,000 ચોરસ મીટર જેટલી સરકારી જમીન ખાલી કરાવવામાં આવી છે.
આ તકે પશ્ચિમ મામલતદાર જાનકી પટેલે કહ્યું, ખાલી કરાયેલી જમીન પર ફરીવાર દબાણ થાય તો દબાણકર્તા વિરૂધ્ધ ગુજરાત લેન્ડ ગ્રેબીન્ગ એક્ટ-2020 અન્વયે કાર્યવાહી કરવામાં આવશે.