આવાસ યોજનાના પ્લોટ પર 26 વર્ષ પહેલા ખડકાયેલી સોસાયટી હટાવવા નોટિસ ફટકારાતા ટોળું કોર્પોરેશન કચેરીએ ધસી આવ્યું
ટીપીના અનામત પ્લોટ પર ખડકાયેલા દબાણો દૂર કરવા માટે મ્યુનિ.કમિશનર આનંદ પટેલ દ્વારા આપવામાં આવેલા કડક આદેશ બાદ ટીપી શાખા દ્વારા શહેરભરમાં નોટિસો ફટકારવામાં આવી રહી છે. દરમિયાન ગત સપ્તાહે મોટા મવામાં આવેલા બાપા સીતારામ પાર્કમાં 150થી વધુ મકાનધારકોને ડિમોલીશનની નોટિસ ફટકારાતા આજે ટોળું કોર્પોરેશન કચેરીએ ધસી આવ્યું હતું અને તેઓએ પોતાની જમીન કાયદેસર કરી આપવાની માંગણી કરી હતી.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ મોટા મવાની ટીપી સ્કિમ નં.10ના સર્વે નં.50 પૈકીના 1/2 ઓપી નં.72ના એબીસીમાં બાપા સીતારામ સોસાયટી આવેલી છે. અહિં લોકો છેલ્લા 26 વર્ષથી વસવાટ કરી રહ્યાં છે. દરમિયાન ટીપી સ્કિમમાં અહિં આવાસ યોજનાનો પ્લોટ બતાવવામાં આવ્યો છે. ગત 21 જાન્યુઆરી-2019ના રોજ નોટિસ આપવામાં આવી હતી. ત્યારે સોસાયટીના રહેવાસીઓ દ્વારા રૂડા, કલેક્ટર કચેરી અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. સરકારમાં પણ સોસાયટીને કાયદેસર કરવા માટે માંગણી કરવામાં આવી હતી. શહેરમાં અગણિત સોસાયટીઓ ગેરકાયદે છે. જેને નિયમિત કરવા માટે જો યોગ્ય નિર્ણય લેવામાં આવે તો હજ્જારો લોકોને ફાયદો થાય તેમ છે.
ગત શનિવારે ટીપી શાખા દ્વારા બાપા સીતારામ પાર્કના 150 જેટલા મકાનધારકોને રહેણાંક ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે. જેનાથી 450 લોકો પર બેઘર બની જવાનું જોખમ ઝળબું રહ્યું છે. આજે ઉઘડતી કચેરીએ સોસાયટીના રહેવાસીઓનું એક મોટું ટોળું કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ધસી આવ્યું હતું.
તેઓએ મ્યુનિ.કમિશનરને આપેલા આવેદન પત્રમાં જણાવ્યું હતું કે જો રોડ-રસ્તાના કામ માટે અમારા મકાનની જગ્યા નડતરરૂપ થતી હોય તો તેને તોડવામાં આવે તો અમને કશો જ વાંધો નથી. 26 વર્ષ પહેલા નિર્માણ પામેલી આ સોસાયટીમાં 150થી વધુ મકાનોનું ડિમોલીશન હાથ ધરવાની પ્રક્રિયા તદ્ન ગેરવ્યાજબી છે. આ જમીન ખાનગી માલિકીની છે. અહિં શ્રમિક અને મધ્યમ વર્ગના લોકો વસવાટ કરી રહ્યા હોય તેઓને ન્યાય મળી રહે તે માટે વચગાળાનો નિર્ણય લેવાય માટે અરજ કરવામાં આવી છે. સૂચિત સોસાયટીની જમીનને કાયદેસરતા આપવાની પણ માંગણી કરાઇ છે.