ટીપી સ્કીમ નં.૧૨ (કોઠારીયા)માં પીરવાડી વિસ્તારમાં ૭૩ આસામીઓ અને ટીપી સ્કીમ નં.૧૩ (કોઠારીયા)માં ખોડિયારનગર વિસ્તારમાં ૮૧ આસામીઓને નોટિસ: ચોમાસામાં ડિમોલીશન થશે કે કેમ ? તેની સામે પણ સવાલો
રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા તાજેતરમાં ટાઉન પ્લાનીંગ સ્કીમ નં.૧૨ (કોઠારીયા) અને ૧૩ (કોઠારીયા)માં અલગ-અલગ ટીપીનાં રોડ ખુલ્લા કરાવવા માટે ૨૫૪ આસામીઓને નોટીસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. સુપ્રીમ કોર્ટનાં આદેશ અનુસાર ૧૫ જુન એટલે કે ચોમાસાનાં ચાર મહિના સુધી ડિમોલીશન કરી શકાતું નથી. હવે નોટીસ ફટકાર્યા બાદ ટીપી શાખા ડિમોલીશનની કાર્યવાહી હાથ ધરશે કે કેમ ? તેની સામે પણ સવાલો સર્જાય રહ્યા છે.
આ અંગે ટીપી શાખાનાં સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ઈસ્ટ ઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ટીપીઓ એમ.ડી.સાગઠીયાને આદેશ મુજબ શહેરનાં વોર્ડ નં.૧૮માં કોઠારીયા રોડની પશ્ર્ચિમ બાજુએ આવેલા પીરવાડી વિસ્તારમાં ટીપી સ્કીમ નં.૧૨ (કોઠારીયા)નાં ૯ મીટર, ૧૨ મીટર અને ૨૦ મીટરનાં રોડ ખુલ્લા કરાવવા અને ટીપી સ્કીમની અમલવારી માટે ટાઉન પ્લાનીંગ એકટની કલમ ૪૮ મુજબ ૭૩ આસામીઓને નોટીસ ફટકારવામાં આવી છે જેમાં મકાન, દુકાનનો સમાાવેશ થાય છે. ૦.૨૩ મીટરથી લઈ ૦.૬૦ મીટર સુધીની મિલકત કપાતમાં આવે છે. ઓગસ્ટ માસમાં પણ તમામ આસામીઓને પ્રારંભિક નોટીસ ફટકારવામાં આવી હતી. ટીપીનાં રોડ પરનાં દબાણો હટાવવાની તસ્દી ન લેતા અંતિમ નોટીસ ફટકારી ચાર દિવસની મહેકલ આપવામાં આવી છે જેની સમય મર્યાદા આવતીકાલે પૂર્ણ થઈ રહી છે. ૧૫ જુન બાદ ચોમાસાની સીઝનનાં ૪ માસ દરમિયાન સર્વોચ્ચ અદાલતનાં આદેશ મુજબ ડિમોલીશન કરી શકાતું નથી ત્યારે હવે ટીપીનાં રોડ ખુલ્લા કરાવવા માટે ટીપી શાખા ડિમોલીશનની કામગીરી હાથ ધરશે કે કેમ ? તે અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે.
આ ઉપરાંત શહેરનાં વોર્ડ નં.૧૩માં ટાઉન પ્લાનીંગ સ્કીમ નં.૧૩ (કોઠારીયા)માં પુનિતનગર પાણીનાં ટાંકા પાસે ખોડિયારનગર વિસ્તારમાં ટીપીનાં ૭.૫૦ મીટર, ૧૨ મીટર અને ૧૫ મીટરનાં રોડ ખુલ્લા કરાવવા માટે ૮૧ આસામીઓને નોટીસ ફટકારવામાં આવી છે જેમાં અમુક મિલકતો તો આખેઆખી કપાતમાં જાય છે. ૦ મીટરથી લઈ આખી મિલકત કપાતમાં જતી હોય જેમાં દુકાનો, મકાનો અને કારખાનાઓનો સમાવેશ થાય છે. અહીં ટાઉન પ્લાનીંગ એકટની કલમ ૪૮ મુજબ પ્રારંભિક નોટીસ ફટકારવામાં આવી છે.