ટીપી સ્કીમ નં.૧૬ અને ૨૨ રૈયામાં કોર્પોરેશનનાં અલગ-અલગ હેતુ માટેનાં અનામત પ્લોટ પર ખડકાયેલા ૧૪૨ ઝુંપડા, ૧ ઓરડી અને ૧ ઓફિસ પર બુલડોઝર ફેરવી દેવાયું

મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલનાં આદેશનાં પગલે આજે સવારે કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા લાંબા સમય બાદ શહેરનાં વેસ્ટ ઝોન વિસ્તારમાં વોર્ડ નં.૧ અને ૯માં ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. ટીપી સ્કીમ નં.૧૬ અને ૨૨ (રૈયા)માં કોર્પોરેશનનાં અલગ-અલગ હેતુ માટેનાં અનામત પ્લોટ પર ગેરકાયદે ખડકાઈ ગયેલા ૧૪૨ ઝુંપડા, ૧ ઓરડી અને ૧ ઓફિસ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. બજાર કિંમત મુજબ અંદાજે ૧૩૯.૩૧ કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.

IMG 20191221 WA0072

આ અંગે વધુ માહિતી આપતા ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાએ જણાવ્યું હતું કે, આજે સવારે વેસ્ટ ઝોન વિસ્તારમાં વોર્ડ નં.૧ અને વોર્ડ નં.૯માં જુદી-જુદી ટીપી સ્કીમનાં અનામત પ્લોટ પર ખડકાયેલા દબાણો દુર કરવા ડિમોલીશન હાથ ધરાયું હતું. જેમાં ૨૩,૫૦૩ ચો.મી. વિસ્તારમાં ખડકાયેલા ઝુંપડા, ઓરડી અને ઓફિસનું દબાણ દુર કરાવી આશરે ૧૪૦ કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. વોર્ડ નં.૧માં ટીપી સ્કીમ નં.૨૨ (રૈયા)નાં ફાઈનલ પ્લોટ નં.૪૬/એ રહેણાંક વેચાણ હેતુ માટેનાં રાધિકા પાર્ક ઓસ્કાર રેસીડેન્સ પાસે આવેલા પ્લોટ પર ૫૧૪ ચો.મી.માં ખડકાયેલા ૧૧ ઝુંપડાઓ તોડી પાડવામાં આવ્યા હતા. વોર્ડ નં.૯માં ટીપી સ્કીમ નં.૧૬ (રૈયા)નાં ફાઈનલ પ્લોટ નં.૭૦/એમાં એસઈડબલ્યુએસએચ હેતુ માટેનો આલાપ એન્કલેવ પાસે યોગીનગરની બાજુમાં આવેલા પ્લોટમાં ૪૭ ચોરસ મીટરમાં ખડકાયેલા ૧૭ ઝુંપડા, ફાઈનલ પ્લોટ નં.૬૦/એ સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રકચર હેતુ માટેનાં પાટીદાર ચોકમાં પામસીટી પાછળ આવેલા ૧૨૩૮ ચો.મી.નાં પ્લોટમાંથી એક ઓરડીનું દબાણ દુર કરવામાં આવ્યું હતું.

IMG 20191221 WA0066

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, આ ઉપરાંત ટીપી સ્કીમ નં.૧૬ (રૈયા)નાં ફાઈનલ પ્લોટ નં.૩૫/એ કોમર્શીયલ વેચાણ હેતુ માટેનો ગંગોત્રી મેઈન રોડ પર શિલ્પન આઈકોનની બાજુમાં આવેલા પ્લોટની ૧૫૧૦ ચોરસ મીટરમાંથી ૩ ઝુંપડા, ફાઈનલ પ્લોટ નં.૪૨/એ ગંગોત્રી પાર્ક મેઈન રોડ પર નંદહાઈટસની બાજુમાં ૪૫૩૮ ચોરસ મીટરનાં કોમર્શિયલ હેતુનાં પ્લોટ પરથી ૨૭ ઝુંપડા, ફાઈનલ પ્લોટ નં.૧૬/બી, કેરેલા પાર્ક પામ યુનિવર્સની પાછળ સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રકચર માટેનાં ૫૩૯૯ ચોરસ મીટરનાં પ્લોટ પરથી ૫૨ ઝુંપડા, ફાઈનલ પ્લોટ નં.૫૮/એ પાટીદાર ચોકમાં સોપાન હેબીટેટની બાજુમાં બગીચો બનાવવાના હેતુનાં ૭૭૩ ચોરસ મીટરનાં પ્લોટ પર ગેરકાયદે ખડકાયેલી ઓફિસ જયારે ટીપી સ્કીમ નં.૪ રૈયા ફાઈનલ પ્લોટ નં.૭૬૯માં રૈયા રોડ પર સવંત સિગ્નેટની સામે શોપીંગ સેન્ટર બનાવવાનાં હેતુનાં ૪૭૬૪ ચો.મી.નાં પ્લોટ પર ગેરકાયદે ખડકાઈ ગયેલા ૩૨ ઝુંપડાઓ હટાવી દેવામાં આવ્યા હતા.  આજે વેસ્ટ ઝોનમાં વોર્ડ નં.૧ અને ૯માં હાથ ધરવામાં આવેલા ડિમોલીશનમાં કોર્પોરેશનને અલગ-અલગ ટીપી સ્કીમ નંબરમાં મળેલા વિવિધ હેતુ માટેનાં અનામત પ્લોટ પર ૨૩,૫૦૩ ચોરસ મીટર જમીન પર ખડકાયેલા ૧૪૨ ઝુંપડા, ૧ ઓફિસ અને ૧ ઓરડીનું દબાણ દુર કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.