૨૫ વાડા, ૧૦ મકાન અને એક મંદિર હટાવાયું: પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી કરતા પ્રાંત અધિકારી જે.કે.જેગોડા
માધાપર ખાતે આજે વહિવટી તંત્ર દ્વારા સરકારી જમીન પર કરવામાં આવેલા દબાણો પર ડિમોલીશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૨૫ વાડા, ૧૦ મકાન અને એક મંદિર સહિતના દબાણોને હટાવીને ૨૦ હજાર ચો.મી. સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
રાજકોટ જિલ્લાના માધાપર ગામે આવેલા સર્વે નં.૧૧૧માં કરવામાં આવેલા દબાણોનો જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કડુસલો બોલાવી દેવામાં આવ્યો છે. શહેર પ્રાંત-૨ના પ્રાંત અધિકારી તેમજ ગ્રામ્યનો પણ ચાર્જ ધરાવતા જે.કે.જેગોડાએ આજરોજ પોતાની ટીમને સાથે રાખીને સર્વે નં.૧૧૧માં કરવામાં આવેલા દબાણો હટાવવાની કામગીરી હાથધરી હતી. આ જગ્યાએ ૨૫ વાડા, ૧૦ મકાન અને એક મંદિર ઉભું કરવામાં આવ્યું હતું. આ તમામ પર બુલડોઝર ફેરવીને ૨૦ હજાર ચો.મી.જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.
૧૦ જેટલા મકાનો પૈકી અમુક મકાનોનું બાંધકામ ૧૫ દિવસ પૂર્વે જ કરવામાં આવ્યું હતું.
પ્રાંત અધિકારી જે.કે.જેગોડાએ પોલીસ બંદોબસ્ત સાથે ધસી જઈને દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી.જેમાં કોઈપણ જાતનો અણબનાવ બન્યો ન હતો. ડિમોલીશનની સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં થઈ હતી. આ દબાણ હટાવ કામગીરીમાં પ્રાંત અધિકારી જે.કે.જેગોડાની આગેવાનીમાં નાયબ મામલતદાર ભાસ્કરભાઈ, શારદાબેન, તલાટી મંત્રી રાહુલભાઈ, દર્શનભાઈ, દીપભાઈ, બાલાસરાભાઈ તેમજ રીનાબેન જોડાયા હતા.