રૈયા ટીપી સ્કીમ નં.૨૨માં રામેશ્ર્વર પાર્કમાં એક મકાન, મવડી ટીપી સ્કીમ નં.૨૧માં પંચનાથ-૧ વિસ્તારમાં ત્રણ દુકાન અને બે મકાન તથા બાપાસીતારામ ચોક નજીક ટીપીના રોડ પર ખડકાયેલી દિવાલના દબાણ પર બુલડોઝર ફેરવી દેવાયું
ચોમાસાની સીઝન પૂર્ણ થતાની સાથે જ મહાપાલિકાની ટીપી શાખા બુલડોઝરો ફરી ધણધણવા લાગ્યા છે. ગઈકાલે શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં સુચિતમાં ખડકાયેલા આઠ શો-રૂમને જમીન દોસ્ત કરી દીધા બાદ આજે વેસ્ટ ઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ન્યુ રાજકોટમાં રૈયા વિસ્તારમાં રામેશ્ર્વર પાર્ક અને મવડીમાં ઓપરેશન ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૩ મકાન અને ૩ દુકાન સહિત ૭ બાંધકામો પર બુલડોઝર ફેરવી આશરે ૧૨.૮૯ કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી છે.આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીના આદેશ બાદ ઓફિસર એમ.ડી.સાગઠીયાના માર્ગદર્શન હેઠળ આજે વેસ્ટ ઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા વોર્ડ નં.૧, ૧૧ અને ૧૨માં ટીપીના અનામત પ્લોટમાં ખડકાયેલા દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં વોર્ડ નં.૧માં ટીપી સ્કીમ નં.૧૨, રૈયાના રહેણાંક અને વેચાણ હેતુના પ્લોટ નં.૪૨-એ માં ૪૦ ચો.મી. જમીનમાં ખડકાયેલું મકાન દુર કરી ૨૦ લાખની જમીન ખુલ્લી કરાવવામા આવી હતી. ત્યારબાદ ટીપી શાખાનો કાફલો વોર્ડ નં.૧૨માં ત્રાટકયો હતો અહીં ટીપી સ્કીમ નં.૨૧ મવડીના રહેણાક અને વેચાણ હેતુના પ્લોટ નં.૯-એ માં ત્રણ દુકાનોનું દબાણ હતું જયારે અન્ય પ્લોટ નં.૪૨-એ માં બે મકાનનું દબાણ હતું. ૨૩૦૮ ચો.મી. જમીનમાં ખડકાયેલા બે મકાન અને ત્રણ દુકાનનું બાંધકામ હટાવી રૂ.૧૨.૬૯ કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.આ ઉપરાંત વોર્ડ નં.૧૧માં મવડી વિસ્તારમાં આવેલી બેકબોન પાર્ક સોસાયટીમાંથી પસાર થતા ૨૨ મીટરના ટીપીના રોડ પર દિવાલનું દબાણ હતું જે આજે દુર કરવામાં આવ્યું હતું. આજે ડિમોલીશનની કામગીરી અંતર્ગત બજાર કિંમત મુજબ રૂ.૧૨.૮૯ કરોડની ૨૩૪૮ ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હોય કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.