મવડી રોડથી સ્વામીનારાયણ ગુરૂકુળ સુધી ૧૨ મીટરના ટીપી રોડ પર ખડકાયેલા પાંચ મકાન, બે દુકાન,
૮ કમ્પાઉન્ડ વોલ, જ્યારે બાપા સિતારામ ચોકથી ઉમીયા ચોક સુધીમાં કમ્પાઉન્ડ વોલ પર બુલડોઝર ફેરવી દેવાયું
કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા આજે શહેરના વેસ્ટઝોન વિસ્તારમાં ઓપરેશન ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ટીપીના રોડ પર ખડકાયેલા પાંચ મકાન સહિત ૧૭ બાંધકામો પર બૂલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ડિમોલીશન ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવ્યું હોય કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.
આ અંગે વદુ માહિતી આપતા ટાઉન પ્લાનીંગ ઓફીસર એમ. ડી. સાગઠીયાએ જણાવ્યું હતું કે, મ્યુનીસિપલ કમિશનર ઉદિત અગ્રવાલના આદેશ બાદ આજે વેસ્ટઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ સાખા દ્વારા શહેરના વોર્ડ નં. ૧૦, ૧૧ અને ૧૨માં ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૧૭ બાંધકામો પર બૂલડોઝર ફેરવી દેવાયું હતું અને ૧૯૫૦ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. વોર્ડ નં. ૧૦ પ્રારંભીક નગર રચના યોજના નં. ૧૬૮ રૈયાના રેવન્યુ સર્વે નં. ૨૫ પ્લોટ નં. ૨૦ની સામે ફાળવેલા અંતીમ ખંડનં. ૩૧/૨/૨ માં શરેડીના રસના ચિચોડા તથા બેલાનું આશરે ૩ ફુટ ઉંચાઈનું ચણતર તોડી પાડવામાં આવ્યું હતું.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે રૈયા વિસ્તારમાં ડિમોલીશન પૂર્ણ કરાયા બાદ ટીપીની ટીમ મવડી વિસ્તારમાં ત્રાટકી હતી અહીં ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં. ૨૧(મવડી)ના ૧૨ મીટરના ટીપી રોડ જે મવડી રોડથી સ્વામી નારાયણ ગુરૂકુળ (કાવેરી પાર્ક) તરફના ટીપી રોડ પર પાંચ મકાન, બે મકાન તથા આઠ કમ્પાઉન્ડ વોલનું બાંધકામ તોડી પાડી ૧૫૦૦ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. આ ઉપરાંત વોર્ડ નં. ૧૨માં ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં.૨૧ (મવડી)ના ૧૨ મીટર ટીપી રોડ કે જે મવડી રોડ બાપા સિતારામ ચોકથી ઉમીયા ચોક રોડ તરફના ટીપીના રોડ પર કમ્પાઉન્ડ વોલ તોડી પાડી ૪૫૦ ચો. મી. જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. આ ડીમોલીશનમાં વેસ્ટઝોન શાખાના આસીસ્ટન્ટ ટાઉન પ્લાનર એ. એમ. વેગડ, એ. જે. પરસાણા તથા આર. એન. મકવાણા, ટાઉન પ્લાનીંગ શાખાનો સ્ટાફ તથા વીજીલન્સ શાખાના પી. એસ. આઈ. ચુડાસમા તથા તેમનો સ્ટાફ જગ્યા રોકાણ શાખાનો સ્ટાફ તથા રોશની શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહ્યો હતો.