ટીપી અને ડીપીના રોડ, કોર્પોરેશનના અનામત પ્લોટની ૯૦૫૦ ચો.મી. જમીન પર ખડકાયેલા દબાણો દૂર કરી રૂ.૧૮.૪૦ કરોડની જમીન ખુલ્લી કરાવાઈ
કોર્પોરેશનની ઈસ્ટ ઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે શહેરના વોર્ડ નં.૧૮માં કોઠારીયા વિસ્તારમાં ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્પોરેશનના ટીપી, ડીપીના રસ્તાઓ અને અનામત પ્લોટની ૯૦૫૦ ચો.મી. જમીન પર ખડકાયેલા ૫૦ કાચા-પાકા બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને બજાર કિંમત મુજબ રૂ.૧૮.૪૦ કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
આ અંગે વધુ માહિતી આપતા ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાએ જણાવ્યું હતું કે, આજે હાથ ધરવામાં આવેલા ડિમોલીશનમાં વોર્ડ નં.૧૮માં જુદી જુદી જગ્યાએ ટીપી સ્કીમ નં.૧૨ પ્રારંભીક મંજૂર થયેલ ટીપીના રસ્તાઓ તથા રીઝર્વેશન પ્લોટ અને સરકાર પાસેથી સોલીડ વેસ્ટ શાખાને મળેલી જગ્યામાં ખડકાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેમાં કોઠારીયા રોડ પર વોર્ડ નં.૧૮ની વોર્ડ ઓફિસ પાસે ૪૫ મીટર તથા ૧૮ મીટર ડીપીના રોડ અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાને ફાળવેલ પ્લોટ પર ગેરકાયદે ખડકી દેવામાં આવેલા ૩૫ ઝુપડાઓ દૂર કરી ૬૦૦૦ ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
જયારે કોઠારીયા તાલુકા શાળાની પાછળથી પસાર થતાં ૧૮ મીટર ડીપીના રોડ પર ખડકાયેલ દૂકાનને દૂર કરી ૨૫૦ ચો.મી. જમીન, ટીપી સ્કીમ નં.૧૨ (કોઠારીયા)ના અંતિમ ખંડ નં.૨૨-એ (વાણીજય) વેંચાણમાં ખડકાયેલ ત્રણ વંડા દૂર કરી ૫૦૦ ચો.મી. જમીન, સ્વાતી પાર્ક મેઈન રોડના છેડે ૧૨ મીટર ટીપીના રોડ પર ખડકાયેલા ૫ ઔદ્યોગીક હેતુના બાંધકામ પર બુલડોઝર ફેરવી ૧૫૦૦ ચો.મી. અને નેશનલ હાઈવેથી શરૂ થતાં સર્વે નં.૧૦૪/પૈકી મુળખંડ ૨૨+૨૪/૨સર્વે નં.૧૦૪/પૈકી માંથી પસાર થતાં ૨૦ મીટર ટીપીના રોડ પર ખડકાયેલ કમ્પાઉન્ડ વોલ હટાવી ૮૦૦ ચો.મી. જમીન ખુલ્લી કરવામાં આવી હતી. આજે ડિમોલીશન દરમિયાન બજાર કિંમત મુજબ ૧૮.૪૦ કરોડની ૯૦૫૦ ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.