સોમનાથ સોસાયટીમાં ડીપી રોડ પર ખડકાયેલું મકાનનું બાંધકામ, સ્વાતીપાર્ક, કૈલાસપાર્ક, સોમનાથ, ભુનેશ્ર્વર અને ગોપનાથ ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં કોમન પ્લોટ અને ટીપીના રીઝર્વેશન પ્લોટમાંથી ગેરકાયદે બાંધકામ દુર કરાયું
મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીના આદેશ બાદ ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠિયાના માર્ગદર્શન હેઠળ કોર્પોરેશનની ઈસ્ટ ઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે વોર્ડ નં.૧૮માં કોઠારીયા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો દુર કરવા માટે ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અલગ-અલગ ૬ સ્થળોએ ગેરકાયદે ખડકાયેલા બાંધકામો પર બુલડોઝર ફેરવી દઈ બજાર કિંમત મુજબ રુ.૯.૧૭ કરોડની ૩૬૦૦ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. આજે સવારે ટીપીઓ એમ.ડી.સાગઠિયા, એટીપી વી.સી.મુંધવા, આર.ડી.પ્રજાપતિ, એ.એમ.વેગડ, કે.કે.મહેતા અને બી.બી.જોશી સહિતનો સ્ટાફ શહેરના વોર્ડ નં.૧૮માં કોઠારીયા વિસ્તારમાં ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જેમાં રણુજા મંદિર પાછળ સોમનાથ સોસાયટીમાં ડીપી રોડ પર ખડકાયેલું એક મકાન, સ્વાતી પાર્ક મેઈન રોડ પર ટીપીના રીઝર્વેશન, સ્વાતી મેઈન રોડ પર કૈલાસ પાર્ક ઈન્ડસ્ટ્રીઝ કોમન પ્લોટ, સોમનાથ ઈન્ડસ્ટ્રીઝ એરીયા નજીક રેલવે પાટા પાસે, ભુનેશ્ર્વર ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં પ્રપોઝડ ટીપીના રીઝર્વેશનમાં અને ગોપનાથ ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં પ્રપોઝડ ટીપીના રીઝર્વેશનમાં ગેરકાયદે ખડકાયેલા બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આજે હાથ ધરવામાં આવેલી ડિમોલીશનની કાર્યવાહી અંતર્ગત બજાર કિંમત મુજબ ૯.૧૭ કરોડની આશરે ૩૬૦૦ ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.