સ્વામીનારાયણ મંદિરને જમીન જોઇતી હોવાના કારણે ડિમોલીશન કરાયાનો આક્ષેપ
જેતપુર નગરપાલિકા દ્વારા આજે જૂનાગઢ રોડ પર જુના ગાડા માર્ગ પર ગરીબોના કાચા મકાનોનું ડીમોલેશન કર્યું હતું. એકબાજુ કાળઝાળ ગરબી અને ચોમાસું આવી રહ્યું છે ત્યારે 25 જેટલા પરિવારો પરથી છત છીનવતા કરુણ દ્રશ્યો સર્જાયા હતાં. ઘરવિહોણા લોકોએ સ્વામી નારાયણ મંદિરને જગ્યા જોતી હોવાથી ડીમોલેશન થયાના આક્ષેપ કર્યા હતાં.
જેતપુર શહેરના જૂનાગઢ રોડ પર આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પાછળ જૂનો ગાડા માર્ગ આવેલ છે. આ ગાડા માર્ગ પર પંદરેક જેટલા દેવીપૂજક પરિવારો વર્ષોથી કાચા મકાનો વસવાટ કરે છે. આ મકાનોનું આજે નગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે વીજ વિભાગની ટીમ સાથે રાખીને બુલડોઝર વડે ડીમોલેશન કરી 1200 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરી હતી.
અહીં દબાણ દૂર કરતા સમયે ખૂબ કરુણ દ્રશ્યો સર્જાયા હતાં. કાળઝાળ ગરમી અને ચોમાસું નજીક જ હોવાથી હવે ક્યાં રહેવા જશુ તે સવાલે નાના બાળકોથી લઈને વયોવૃદ્ધની આંખમાં આસું હતાં. ઘર વિહોણા થઈ ગયેલ ઉષાબેન સોલંકીએ જણાવેલ કે આજે મારી દીકરીની સગાઈ હતી. નગરપાલિકા ડીમોલેશન કરવા માટે આવતા સગાઈ રઝડી પડી હતી. જ્યારે શિલ્પાબેન મકવાણા નામની મહિલાએ જણાવેલ કે, મારે સાત દીકરીઓ છે મારા પતિએ જિંદગીભરની કમાણીથી અમારી ક્ષમતા મુજબ અમે અહીં કાચું મકાન બનાવી શક્યા તે પણ અહી મંદિરના સ્વામીને નડયું તો તેને પડાવી નાંખ્યું. જ્યારે જીવીબેન નામની વૃદ્ધાએ જણાવેલ કે, અમો અહીં પચાસેક વર્ષથી વસવાટ કરીએ છીએ, અમારી આજુબાજુ કારખાનાવાળાઓએ જાહેર રસ્તાઓ, સાર્વજનીક પ્લોટ પર દબાણ કરી લીધા છે તે નગરપાલિકાને ન દેખાયું અને મંદિરના સ્વામીના કહેવાથી અમારા પાડી નાંખ્યા.
કોઈને નડતરરૂપ ન હતું તેવું પચાસ વર્ષથી વસવાટ કરતા ગરીબોના મકાનોનું ડીમોલેશન તો થયું. પરંતુ આકરા તાપમાં અને ચોમાસાના આગમન પૂર્વે છત છીનવતા ગરીબ પરિવારો ભાંગી પડ્યા હતાં. આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર અશ્વિન ગઢવીએ જણાવેલ કે, દબાણ અંગે ભાવિકોની તેમજ મંદિર તરફથી ફરીયાદ મળેલ તે ફરીયાદના અનુસંધાને દબાણ દૂર કરાયું છે. અને શહેરમાં અન્ય દબાણો હશે તે પણ દૂર કરવામાં આવશે.