૯૦૦૦ ચો.મી. જેટલી સરકારી જમીનમાં દબાણ ઉપર બુલડોઝર ફેરવી દેવાયું: પશ્ચિમ મામલતદારની કાર્યવાહી
રૈયા વિસ્તારમાં બે સ્થળોએ સરકારી જમીન ઉપર કરવામાં આવેલા દબાણોનો પશ્ર્ચિમ મામલતદાર ટીમ દ્વારા કડુસલો બોલાવી દેવામાં આવ્યો છે. પશ્ચિમ મામલતદારની ટીમ દ્વારા આ ડિમોલીશન કરીને ૯૦૦૦ ચો.મી. જેટલી સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
પશ્ર્ચિમ મામલતદાર ભગોરા અને તેમની ટીમ દ્વારા આજે બે સ્થળોએ ડિમોલીશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ અને મહાપાલિકાનાં સ્ટાફને સાથે રાખી આ કાર્યવાહી કરાઈ છે. પ્રથમ રૈયાધાર પાસે આવેલા ગાર્બેજ સ્ટેશન સામે સર્વે નં.૩૧૮ની ૪૦૦૦ ચો.મી. જેટલી સરકારી જમીન ઉપર ફેન્સીંગવાળીને ૬ પ્લોટ રાખવામાં આવ્યા હતા સાથે બે પાકા મકાનોનું બાંધકામ પણ કરવામાં આવ્યું હતું. આ સ્થળે મામલતદારની ટીમ દ્વારા બુલડોઝર ફેરવીને દબાણ હટાવી દેવામાં આવ્યું હતું.
આ સાથે રૈયાનાં છેવાડે આવેલા બંસીધર પાર્ક વિસ્તારમાં ૫૦૦૦ ચો.મી. સરકારી જમીન ઉપર કબજો જમાવવાનો પ્રયાસ થઈ રહ્યો હતો ત્યાં માપણી માટેના સાધનો હોય જે તમામ હટાવીને દબાણ દુર કરવામાં આવ્યું હતું. આમ પશ્ર્ચિમ મામલતદારની ટીમ દ્વારા આજે કુલ ૯૦૦૦ ચો.મી. જેટલી સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.