રાજકોટ તાલુકા મામલતદારની કડક કાર્યવાહી: માધાપરમાં ૪ ઓરડી અને એક મકાનનો કડુસલો બોલાવાયો, ઘંટેશ્વરમાં જિલ્લા કોર્ટ માટે ફાળવેલી જમીન પર ખડકાયેલી ૩ ઓરડીઓ હટાવાઈ
રાજકોટ જિલ્લામાં થયેલા દબાણો સામે કડક હાથે કાર્યવાહી કરવાનો વહિવટ તંત્ર દ્વારા નિર્ધાર લેવામાં આવ્યો છે જેના ભાગરૂપે તાલુકા મામલતદાર દ્વારા ગઈકાલે માધાપર અને ઘંટેશ્વરમાં ત્રણ સ્થળે ડિમોલીશન હાથધરીને સરકારી જમીન ઉપર ખડકાયેલા દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. મામલતદારની ટીમ દ્વારા પોણા બે કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
રાજકોટ તાલુકા મામલતદાર કથીરિયા અને નાયબ મામલતદાર વસાણી સહિતની ટીમ દ્વારા ગઈકાલે પોલીસને સાથે રાખીને ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં માધાપર ગામે માધવ પાર્ટી પ્લોટ સામે આવેલ સર્વે નં.૧૧૧ની ૫૦૦ ચો.મી. જેટલી સરકારી જમીન ઉપર ખડકાયેલી ૪ ઓરડીનું દબાણ તોડી પાડવામાં આવ્યું હતું ત્યારબાદ માધાપર તાલુકા શાળા સામે સર્વે નં.૧૧૧ પૈકી ૧૦૦૦ ચો.મી. જેટલી સરકારી જમીન ફેન્સીંગ કરીને વાળેલી હતી જેમાં એક મકાન પણ ખડકાયેલું હતું. આ તમામ દબાણ હટાવી લેવામાં આવ્યું હતું ત્યારબાદ ઘંટેશ્વરમાં જિલ્લા કોર્ટ માટે જે સરકારી જમીન ફાળવવામાં આવી છે તેમાં સર્વે નં.૧૫૦માં ૩ ઓરડીના દબાણો હતા આ દબાણો પણ બુલડોઝર વડે તોડી પાડવામાં આવ્યા હતા.