- રાજકોટ જિલ્લામાં સામૂહિક રંગોળી થકી મતદારોને પ્રેરિત કરાયા: અધિક નિવાસી કલેકટર ચેતન ગાંધી અને અધિક ચૂંટણી અધિકારી એન.કે.મુછાર સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રભવ જોશીનામાર્ગદર્શન હેઠળ સિસ્ટેમેટીક વોટર્સ એજ્યૂકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન અને ટર્ન આઉટ ઈમ્પ્લિમેન્ટેશન પ્લાન અંતર્ગત મતદારોને જાગૃત કરવા હાલ જિલ્લામાં વિવિધ સમૂહ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. જે અન્વયે આજે કલેકટર કચેરી ખાતે મતદાન પ્રેરિત રંગોળી દ્વારા મતદાર જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. કલેક્ટર પ્રભવ જોશીના હસ્તે કલેક્ટર કચેરી ખાતે રંગોળી કલાકાર પ્રદીપભાઈ દવે દ્વારા વક્રીભવનના વિજ્ઞાનનો પ્રયોગ કરીને બનાવવામાં આવેલી પાણીમાં તરતી મેજિક રંગોળીના પ્રદર્શનને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ મેજિક રંગોળી કલેક્ટર કચેરી ખાતે તા.07 મે ’મતદાન દિવસ’ સુધી પ્રદર્શિત કરવામાં આવશે. સાથે જ વિવિધ ગ્રામ્ય વિસ્તારોની સખી મંડળની બહેનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિશાળ રંગોળીનું નિર્માણ કરી મતદારોને પ્રેરિત કરવામાં આવ્યા હતા. કલેકટર બંને રંગોળીની પ્રશંસા કરી,તેમના કલાકારોને બિરદાવ્યા હતા.
વધુમાં રાજકોટ તાલુકાના નેશનલ રૂરલ લાઇવલી હુડ મિશનના આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તૃપ્તિબેન ટાંકએ જણાવ્યું હતું કે, સ્વીપ નોડલ ઓફિસર જિજ્ઞાસાબેન ગઢવીના માર્ગદર્શનમાં તાલુકા સેવા સદન જસદણ, રાજકોટ પૂર્વમાં ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ, તાલુકા સેવાસદન ધોરાજી, માતૃશ્રી વીરબાઈમાં મહિલા કોલેજ, ગૌરીદડ, છાપરા, કસ્તુરબાધામ, પીપળીયા, માલિયાસણ, ખારચીયા સહીતના ગામોમાંથી સખીમંડળની અંદાજે 25 બહેનોએ જિલ્લા કલેકટર કચેરી, જૂની કલેકટર કચેરી, બહુમાળી ભવન ચોક અને જિલ્લા પંચાયત કચેરી ખાતે રંગોળી કરીને મતદાનના મહત્વને ઉજાગર કર્યું છે. ત્યારે આ બહેનોએ મતદાન જાગૃતિ અભિયાનમાં પોતાનામાં રહેલી કળાનું યોગદાન આપી શકવા બદલ ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.
કલેકટર કચેરી ખાતે આ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેકટર ચેતન ગાંધી, અધિક ચૂંટણી અધિકારી એન.કે.મુછાર, પુરવઠા અધિકારી રાજેશ્રી વંગવાણી, સ્વીપના નોડલ જિજ્ઞાસાબેન ગઢવી, એમસીએમસી નોડલ અધિકારી સોનલબેન જોષીપુરા, મામલતદાર દવે તથા નાયબ મામલતદાર પ્રીતિબેન વ્યાસ તેમજ કલેક્ટર કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ બનાવેલ મૂવિંગ બેટરી ઓપરેટેડ વોટિંગ મોડેલ બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકશાહીનું પર્વ નજીક આવી રહ્યું છે. તેવામાં રાજકોટ સંસદીય મતવિસ્તારના વિવિધ વિસ્તારોમાં મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવે છે. જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓએ “ટઘઝઊ ઋઘછ ઈંગઉઈંઅ 2024” શબ્દોની રંગોળી બનાવી લોકોને મતદાન અંગે જાગૃત કર્યા હતા. રાજકોટ શહેરની ધોળકિયા સ્કુલ ખાતે મતદાન જાગૃતિ સંદર્ભે સ્કુલના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મૂવિંગ બેટરી ઓપરેટેડ વોટિંગ મોડેલ બનાવીને લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. તેમજ સ્કુલના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ “VOTE FOR INDIA”ની સુંદર રંગોળી બનાવીને લોકોને મતદાન કરવા પ્રેરિત કર્યા હતા. આ તકે શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓએ રંગોળીઓ દ્વારા નાગરિકોને મતદાન કરવા કરી અપીલ
આગામી લોકસભા ચુંટણી અન્વયે મંગળવારના દિવસે મતદાન થનાર છે, ત્યારે સમગ્ર રાજકોટમાં વ્યાપક મતદાતા જાગૃતિ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ અચૂક કરવા માટે પ્રેરાય તે માટે રાજકોટની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓએ રંગોળીઓ દ્વારા મતદાન જાગૃતિનો સંદેશ આપી રહ્યા છે. શાળાઓમાં ‘મારો મત, મારો અધિકાર’,’વોટ ફોર ભારત’ જેવા સૂત્રો અને તિરંગાના રંગો, હાથમાં શાહીના નિશાન વગેરેની આકૃતીઓવાળી રંગોળી દ્વારા મતદાનનો સંદેશ આપ્યો હતો.