દિવસ રાતના ૧૦૦થી વધુ ડમ્પરો ગેરકાયદેસર માટી અને રેતી ભરી અહીંથી પસાર થાય છે: ગ્રામજનો
હળવદ તાલુકાના રાતાભેર ગામે મૂળી તરફથી ગેરકાયદેસર સફેદ માટી ભરી ઓવરલોડ ડમ્પરો ગામમાંથી પસાર થતાં હોય જેને કારણે રાતાભેર થી હળવદ ને જોડતો રોડ તદ્દન બિસમાર બની ગયો છે તેમજ દિવસ અને રાતના ૧૦૦થી વધુ ડમ્પરો અહીંથી પસાર થતાં હોય જેને કારણે ગામમાં પણ ધૂળિયું વાતાવરણ છવાયેલું રહેતું હોય છે જેથી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે કે તંત્ર દ્વારા વહેલી તકે ગેરકાયદેસર દોડતા ડમ્પરો ને અટકાવે નહીં તો નાછુટકે ગ્રામજનોએ ભેગા મળી જનતા રેડ કરી ડમ્પરો ઝડપી તંત્રને સોંપીશું સાથે જ આ બાબતે મામલતદારને રજૂઆત કરવામાં પણ આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
હળવદ તાલુકામાં મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થઈ રહ્યો હોવાની બુમરાણો ઊઠી છે ત્યારે મૂળી તરફ નીકળતી સફેદ માટી ભરેલા ડમ્પરો ઓવરલોડ ભરી મોરબી લઈ જવામાં આવતા હોય છે જે ડમ્પર ચાલકો તંત્ર થી બચવા મોટાભાગે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પરથી પસાર થતા હોય છે જેને કારણે જે જગ્યા ઉપરથી પસાર થઈ રહ્યા છે તે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે.
ત્યારે રાતાભેર ગામ થી દિવસના અને રાતના અંદાજે ૧૦૦થી વધુ ડમ્પરો ઓવરલોડ ખનીજ ભરી પસાર થતા હોય જેથી મોટાભાગના રસ્તાઓ ના ચિથરેહાલ થઈ ગયા છે ગામલોકોના જણાવ્યા મુજબ ગેરકાયદેસર ખનીજ ફરી દોડતા ડમ્પરો અવારનવાર અકસ્માતો પણ સર્જતા હોય છે તેમજ દિવસ-રાત સતત પસાર થતાં વાહનોની અવરજવરથી ધુળનુ પ્રદુષણ થતાં ગ્રામજનો ત્રાહિમામ્ પોકારી ઊઠયા છે.
ત્યારે જવાબદાર તંત્ર દ્વારા વહેલી તકે ગેરકાયદેસર ખનીજ ભરી દોડતા ડમ્પરોને અટકાવશે નહીં તો નાછુટકે ગ્રામજનોએ સાથે મળી જનતા રેડ કરી ડમ્પરો ઝડપી પાડી તંત્રને સોંપીશું તેવી ચીમકી ઉચ્ચારી છે તેમજ આગામી દિવસોમાં ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોને સાથે રાખી હળવદ મામલતદારને રજૂઆત કરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળ્યું છે.