તાજેતરમાં મોરબીમાં જમીન કૌભાંડ અને તોડની માહિતી સામે આવી રહી છે અને અલગ અલગ સમાચાર પોર્ટલમાં સમાચાર પણ આવ્યા હતા જેમાંથી કેટલાક પોર્ટલમાં અધિકારી, રાજકારણી અને પત્રકાર દ્વારા જમીન કૌભાંડ કરવામાં આવ્યું છે અને તોડ થયેલ છે તેવી માહિતી સામે આવી હતી જેથી કરીને આ મુદે મોરબીના અલગ અલગ મિડીયા સંસ્થાઓના પત્રકારોએ જિલ્લા કલેકટર અને એસપીને આવેદનપત્ર આપીને આ મુદે તટસ્થ, નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરીને દોષિતોની સામે પગલા લેવાની માંગણી કરી છે.
જમીન કૌભાંડ કયાં થયું ?, કયાં મીડિયા કર્મચારી અને રાજકારણીની સંડોવણી અંગે કલેકટર અને એસપીને રજૂઆત
મોરબીમાં અવાર નવાર અલગ અલગ કૌભાંડ અને તોડના સમાચાર સામે આવતા હોય છે તેવામાં તાજેતરમાં જુદાજુદા સોશિયલ મીડિયામાં સમાચાર આવ્યા હતા.જેમાં મોરબીમાં રાજકારણી, અધિકારી અને પત્રકાર દ્વારા આચરવામાં આવેલ કથીત જમીન કૌભાંડ અને તેના ઉપર ઢાંકપીછોડો કરવા પત્રકાર દ્રારા કરાયેલ તોડને લઈને જે માહિતી સામે આવી રહી છે અને તેની ચર્ચા ઠેરઠેર કરવામાં આવી રહી છે. જેથી કરીને મોરબીમાં વર્ષોથી પત્રકારત્વ સાથે જોડાયેલા તટસ્થ અને બેદાગ પત્રકારોની સામે પણ લોકો શંકાની નજરે જુએ છે.ત્યારે આ જમીન કૌભાંડ અને તોડકાંડના મૂળ સુધી જઈને જે કોઈપણ આ બાબતમાં સંડોવાયેલ હોય તે તમામની સામે કાયદેસરની અને નોંધપાત્ર કહી શકાય તેવી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી છે.
આ ઘટનામાં અધિકારી, રાજકારણી અને પત્રકારની સંડોવણી હોવાનું લખાઇ અને ચર્ચાઇ રહ્યું છે ત્યારે તેના મૂળ સુધી પહોંચવા માટે કલેક્ટર અને એસપી દ્વારા તપાસનો આદેશ કરવામાં આવે અને જે સત્ય હોય તેને બહાર લાવવામાં આવે તે અનિવાર્ય છે. ખરેખર જમીન કૌભાંડ શું છે ?, જમીન કૌભાંડ ક્યાં થયું છે ?, જમીન કૌભાંડ કેવી રીતે થયું છે ?, કયા રાજકારણી ?, કયા મીડિયાકર્મી ?, કયા પત્રકાર ? અને કયા અધિકારી આમાં સંડોવાયેલા છે ? આ તમામ બાબતો સમાજમાં નિષ્પક્ષ તપાસના અંતે ઉજાગર થાય તેવી પત્રકારોએ આ મુદ્દે જિલ્લા કલેકટર અને એસપીને આવેદનપત્ર આપી લેખિત રજૂઆત કરી છે.
જો 15 દિવસમાં આ બાબતે અસરકારક પગલાં નહીં લેવામાં આવે તો રાજ્યના મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી સુધી રૂબરૂ રજૂઆત કરવામાં આવશે તેવી ચિમકી પણ અંતમાં ઉચ્ચારવામાં આવી હતી. આ તકે પ્રવિણભાઇ વ્યાસ, સુરેશભાઇ ગૌસ્વામી, જીજ્ઞેશભાઇ ભટ્ટ, હિમાંશુભાઇ ભટ્ટ, હરનીશભાઇ જોષી, રાજેશભાઇ અંબાલીયા, નિલેશભાઇ પટેલ, મહેન્દ્રસિંહ જાડેજા, કિશનભાઇ પરમાર, રવિભાઇ બરાસરા, વિપુલભાઇ પ્રજાપતી, પરેશભાઇ પારીયા, મિલનભાઇ નાનક, દેવભાઇ સનારીયા, ધવલભાઇ ત્રિવેદી, અલ્પેશભાઇ ગોસ્વામી, ધર્મેન્દ્રભાઇ વ્યાસ અને સન્નીભાઇ વ્યાસ વિગેરે હાજર રહ્યા હતા.