- સરકારી ખરાબા તેમજ ગૌચરની જમીનો પરનું દબાણ હટાવવા ગ્રામજનો-પશુપાલકોએ કરી રજુઆત
વઢવાણ તાલુકાના ખોડુ ગામની સીમમાં છેલ્લા 20 વર્ષથી ખનીજ માફીયાઓ દ્વારા સરકારી ખરાબા અને ગૌચરની જમીનમાં ગેરકાયદેસર દબાણ કરી ખોદકામ કરી ખનન કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2004માં માલધારીઓ દ્વારા ગૌચરની જમીનો છુટી કરી દીધી હતી પરંતુ ત્યારબાદ ગ્રામ પંચાયત દ્વારા ધ્યાન ન રાખતા હાલ અંદાજે 200 એકર જમીનમાં ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે તેમજ 50 એકર જમીનમાંથી સફેદ પથ્થરનું ખનન કરવામાં આવી રહ્યું છે તેમજ આર્મીમાં ફરજ બજાવતા શખ્સ દ્વારા કબ્જો કરી જમીન પર વૃક્ષનું વાવેતર પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગૌચરની જમીનોમાં 10 સર્વે નંબરો પર ખનીજ માફીયાઓ દ્વારા બ્લાસ્ટીંગ કરી પથ્થરો પણ તોડવામાં આવે છે જેના કારણે લોકોના જીવનું જોખમ ઉભું થયું છે. આ અંગે વર્ષ 2008માં મુખ્યમંત્રીને તેમજ વર્ષ 2012માં જીલ્લા ક્લેકટરને લેખીત રજુઆત કરવા છતાં કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી આથી ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલીક જમીનની માપણી કરાવવામાં આવે અને સીમના રસ્તા, તળાવ તેમજ ગૌચર અને સરકારી ખરાબાની તમામ સર્વે નંબરની માપણી કરી ખુંટા ખોડવામાં આવે તેમજ ગેરકાયદેસર દબાણ દુર કરવામાં આવે તેવી માંગ સાથે લેખીત રજુઆત કરી હતી અને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં નહિં આવે તો આગામી દિવસોમાં માલધારીઓ દ્વારા આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.