ધો.૧ર વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા એક વર્ષ પુરતી શાળા કક્ષાએ લેવા શિક્ષણ બોર્ડના સભ્ય ડો. પ્રિયવદન કોરાટની શિક્ષણ બોર્ડને રજુઆત
કોવિડ-૧૯ ની વૈશ્ર્વિક મહામારીમાં શાળાઓ તથા હોસ્ટેલો ખુલવા છતાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા વિઘાર્થીઓના મોટા ભાગના વાલીઓ કોવિડ-૧૯ ના ડરને કારણે પોતાના બાળકોને હોસ્ટેલમાં રાખી અભ્યાસ કરાવવા માંગતા નથી. ત્યારે આગામી મે-૨૦૨૧માં લેવાનાર ધો. ૧૦ અને ૧ર ના હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા વિઘાર્થીઓને પોતાના વતન રહેઠાણની નજીક પરીક્ષા કેન્દ્ર ફાળવવા શિક્ષણ બોર્ડના વરિષ્ઠ સભ્ય ડો. પ્રિયવદન કોરાટે માંગ કરી છે.
ડો. પ્રિયવદન કોરાટે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરાનાની મહામારીને કારણે ચાલુ વર્ષે ધો. ૧૦ અને ૧રની પરીક્ષા આગામી મે માસમાં યોજાનાર છે ત્યારે ચાલુ વર્ષે બોર્ડના વિઘાર્થીઓને પરીક્ષા કેન્દ્ર તેમના વતન કે વતન નજીક મળે તો સરળતા રહે અને બોર્ડના વિઘાર્થીઓના મોટાભાગના વાલીઓ કોવિડ-૧૯ ના ડરને કારણે પોતાના બાળકોને હોસ્ટેલમાં રાખી અભ્યાસ કરાવવા માંગતા નથી. તો આવા વિઘાર્થીનો પરીક્ષા કેન્દ્ર પોતાનું વતન આપવા માંગ છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ ની મહામારીને કારણે ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા આ એક વર્ષ પુરતી જે તે શાળામાં શાળા કક્ષાએ જ લેવામાં આવે તો વિઘાર્થીઓ માટે ફાયદારુપ નીવડશે તો આ બન્ને બાબતે વિઘાર્થીઓના ભવિષ્યના વિશાળ હિતને ઘ્યાને લઇ યોગ્ય નિર્ણય કરવા મારી માંગ છે.