ભાજપ લીગલ સેલ દ્વારા કલેકટરને આવેદન પત્ર પાઠવી કરી રજૂઆત
રાજકોટ શહેર અને જિલ્લામાં નોટરિયલ સ્ટેમ્પના ચલણ ભરવા માટે માત્ર એસ.બી.આઈ. (રાજકોટમાં બહુમાળી ભવન) સિવાય અન્ય બેંક કે શાખામાં વ્યવસ્થા નહિ હોવાથી નોટરીઓને પડતી હાડમારી અને હાલાકી નિવારવા રાજકોટ ડિસ્ટ્રિક્ટ નોટરી એસોસિએશન દ્વારા ચલણ ભરવા વધુ એક બેંક કે શાખામાં વ્યવસ્થા શરૂ કરવા તેમજ એસ.બી.આઈ. બેંકમાં નોટરિયલ સ્ટેમ્પ માટે સમય નિયત કરવા સહિતની જિલ્લા કલેકટરને આવેદન પાઠવી રજુઆત કરવામાં આવી હતી.
શહેરાના આશરે 350થી વધુ નોટરીઓ પ્રેકટીસ કરે છે. તેમાં હાલમાં નોટરિયલ સ્ટેમ્પ લેવા માટે ટ્રેઝરી કચેરી દ્વારા ચલણો અઠવાડીયામાં બે દિવસ સોમવાર અને ગુરૂવારે જ અપાય છે, તે જ દિવસે નોટરીઓ ચલણ ભરવા માટે એસ.બી.આઈ.બહુમાળી ભવન શાખામાં જતા હોય છે, તેમજ બેંકના અન્ય ગ્રાહકોની મોટી ભીડ રહેતી હોવાથી નોટરીઓને ચલણ ભરવા માટે ત્રણથી ચાર કલાક લાઈનમાં ઉભું રહેવું પડે છે. તેથી નોટરીઓને સમયસર નોટરિયલ સ્ટેમ્પ ન મળતાં નોટરીને લગતી કામગીરીમાં વિલંબ પણ થાય છે. એસ.બી. આઈ. બહુમાળી ભવન શાખા સિવાય અન્ય બેંક કે શાખામાં નોટરીયલ સ્ટેમ્પના ચલણ સ્વીકારાય તેવી નવી વ્યવસ્થા શરૂ કરવી ખુબ જ જરૂરી છે, અથવા નોટરીઓ માટે બેંકમાં ચલણ સ્વીકારવા માટે અલગ સમય અને જુદું કાઉન્ટર ફાળવવાની રાજકોટ ડિસ્ટ્રિક્ટ નોટરી એસોસિયેશનની રજૂઆત છે.
આ ઉપરાંત નોટરીની સાથે ઇ-સ્ટેમ્પની કામગીરી કરતા નોટરીઓની પોલીસ તંત્ર દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરાવાતી હોવાની પણ ફરિયાદો ઉઠી છે, જેમાં બહારગામના અરજદારો રાજકોટ શહેરમાંથી સ્ટેમ્પ ની ખરીદી કરે અને અરજદાર સામે કોઈ પોલીસ કેસ થાય ત્યારે બહાર ગામની પોલીસ દ્વારા રાજકોટના ઇ-સ્ટેમ્પ વિક્રેતાને જે તે સ્થળે બોલાવીને હેરાનગતિ કરાતી હોય છે, જે અયોગ્ય છે. તેમાં હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ જે તે જિલ્લાના પોલીસ અધિકારીને જાણ કર્યા વગર બોલાવી શકાતા નથી, જે માર્ગદર્શિકાની અમલવારીના પરિપત્ર દરેક પોલીસ સ્ટેશનમાં મોકલવા રજૂઆત કરવામાં આવી છે.
આ રજૂઆતમાં ભાજપ લીગલ સેલ રાજકોટ શહેરના પુર્વ ક્ધવીનર પિયુષ શાહ, બાર એસો.ના પૂર્વ પ્રમુખ – સેક્રેટરી અર્જુનભાઈ પટેલ, પી સી. વ્યાસ, રાજેન્દ્રસિંહ એચ. ઝાલા, રક્ષિત કલોલા, રાજકોટ ડિસ્ટ્રિક્ટ નોટરી એસોસીએશનના પ્રમુખ ડી. ડી. મહેતા, ઉપ-પ્રમુખ એ. ટી. જાડેજા, સેક્રેટરી શૈલેષકુમાર એમ. ભટ્ટ, જો. સેક્રેટરી ભુપેન્દ્રસિંહ વી. જાડેજા, ટ્રેઝરર ભાવેશભાઈ રંગાણી, સંગઠન મંત્રી અશોકભાઈ એમ. ડાંગર તથા કારોબારી સભ્યો અજયસિંહ એમ. ચૌહાણ, ગૌતમભાઈ એમ. ગાંધી, રૂષિભાઈ એન. જોશી, વિરેન્દ્ર એ. રાણીંગા, ઓમદેવસિંહ આર. જાડેજા, દિપક ડી. દવે, મહેશભાઈ કે. સવસાણી, પુર્ણિમાબેન એચ. મહેતા, રશ્મીબેન જી, શેઠ, જગદિશભાઈ એમ. કુવાડીયા, આર. કે. દલ તથા સતિષ નગવાડીયા વિગેરે હાજર રહ્યા હતા.