રામ-સીતાના પવિત્ર પ્રેમના પ્રતીક સમાન રામ સેતુને દર્શન માટે ખુલ્લો મુકવા સુપ્રીમ સમક્ષ ધા
કરોડો હિંદુઓની આસ્થા જેની સાથે જોડાયેલી છે તેવા રામસેતુને રાષ્ટ્રીય ધરોહર જાહેર કરી દર્શન માટે ખુલ્લો કરવા માંગ ઉઠી છે અને હાલ આ મામલે સુપ્રીમ કોર્ટમાં વધુ એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. રામ સેતુ જે ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે. જેને ભારતીય પુરાણો અનુસાર ભગવાન રામની સેના દ્વારા લંકા સુધી પહોંચવા માટે તૈયાર કરવામાં આવ્યો હતો અને તે જ સેતુનો ઉપયોગ કરીને ભગવાન રામ તેમની સેના સાથે લંકા પહોંચ્યા હતા અને ત્યારબાદ લંકામાં પણ રામ રાજ્ય સ્થાપિત થયું હતું.
હાલ જે રીતે પશ્ચાતીય સંસ્કૃતિના આંધળા અનુકરણમાં આપણી પોતાની સંસ્કૃતિ વિસરાતી જઈ રહી છે ત્યારે રામાયણને જીવંત કરવાની જરૂરિયાત ઉભી થઇ છે. ભગવાન રામનું ચરિત્ર્ય એટલે કે ’સંપૂર્ણ મર્યાદાપુરુષોત્તમ’. રામના ચારિત્ર્યનું ધાર્મિક રીતે તો ખરા જ પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ખૂબ જ મહ્ત્વતા ધરાવે છે. રામાયણના એક એક પાત્રોમાંથી ત્યાગ, સમર્પણ, વંચિતોને ન્યાય, ચારિત્ર્ય નિર્માણ સહિતની બાબતો શીખવા જેવી છે ત્યારે ચોક્કસ કહી શકાય કે, આજના આધુનિક યુગમાં રામાયણને જીવંત કરવાની જરૂરિયાત છે.
રામ સેતુ એટલે કે ઉત્તરથી દક્ષિણને જોડતો ઐતિહાસિક કાળનો અત્યાધુનિક બ્રિજ. આજથી અંદાજીત 5 હજાર વર્ષ પૂર્વે જ્યારે કોઈ જ ટેકનોલોજીનું અસ્તિત્વ ન હતું ત્યારે 4 ફૂટથી માંડી 40 ફુટ સુધીના ઉંડા પાણી પર સેતુ તૈયાર કરવામાં આવ્યો હતો જેનો આજે પણ અસ્તિત્વ છે. તમિલનાડુ ભારતનો દક્ષિણી છેડો છે તેના પામબન દ્વીપથી ઉત્તરી શ્રીલંકાના મન્નાર દ્વીપ સુધી રામ સેતુ વિસ્તરેલું છે. રામ સેતુ કુલ 30 માઈલ એટલે કે 48 કિલોમીટર સુધી વિસ્તરેલું છે. રિસર્ચ અનુસાર આ સેતુમાં ઉપયોગમાં લેવાયેલો પથ્થર લાઇમસ્ટોન છે.
હાલ રામ સેતુ ક્યાંક વિસરાય રહ્યું છે અને રામ સેતુ બિલકુલ ભુલાઈ જાય તે પૂર્વે હવે રામ સેતુને દર્શન માટે ખુલ્લો મુકવા માંગ કરવામાં આવી છે. રામ સેતુને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા માટેની માંગ લખનઉના વકીલ અશોક પાંડે દ્વારા કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ અરજીને ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામી દ્વારા કરાયેલી અરજી સાથે સૂચિબદ્ધ કરી છે.
અરજીમાં જણાવાયું છે કે, ધાર્મિક રીતે રામસેતુને જોવા માટે આવશે કારણ કે તે સ્વયં ભગવાનની રચના છે અને આ વિસ્તારમાં માત્ર એક પવિત્ર ડૂબકી લગાવે છે અને આ પુલના દર્શન ભગવાન રામના જણાવ્યા મુજબ મુક્તિની ખાતરી આપે છે અને ધર્મ પ્રેમીઓ તેને જોવા માટે આવશે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, રામસેતુ ફક્ત એક સેતુ નથી પરંતુ રામ-સીતાના પવિત્ર પ્રેમનું પ્રતીક છે.