યુનિવર્સિટીમાં કોરોનાના કેસો વધતા સિન્ડીકેટ સભ્ય હરદેવસિંહ જાડેજાએ કુલપતિને કરી લેખીતમાં રજૂઆત
છેલ્લા બે દિવસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ૨૧ જેટલા કર્મચારીઓ-અધિકારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સંજોગોમાં યુનિવર્સિટીનું સમગ્ર પરિસર સેનેટાઈઝ કરાવવા અને તાત્કાલીક અસરથી તમામ કર્મચારીને ૭ દિવસ સુધી ઘરે મોકલી દેવા અને બહારથી આવનાર તમામ લોકો પર પ્રતિબંધ મુકવા સિન્ડીકેટ સભ્ય હરદેવસિંહ જાડેજાએ માંગ કરી છે.
આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની માસ્ટરની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે સમગ્ર તંત્ર મુશ્કેલીમાં મુકાય, આવનારા વિદ્યાર્થીઓ પણ આરોગ્યની ચિંતાનો વિષય છે ત્યારે હાલમાં આવતીકાલથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું સમગ્ર પરિસર કર્મચારીઓ માટે બંધ કરવામાં આવે તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સામાન્ય કર્મચારીને મુશ્કેલી ન પડે અને જરૂર પડ્યે કર્મચારીઓને મેડિકલ સહાય આપવામાં આવે તેને માટે હરદેવસિંહ દ્વારા કુલપતિને લેખીતમાં રજૂઆત કરવામાં આવી છે.
આ ઉપરાંત ૨૧ જેટલા કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મુખ્ય ભવન અને પરીક્ષા વિભાગ તદન બંધ રાખવા સિન્ડીકેટ સભ્ય જાડેજાએ માંગ કરી છે.