કેશોદ શહેરના તમાકુ-બીડી-સીગારેટ-ગુટખાના હોલસેલ વેપારીઓ દ્વારા દુકાનોના શટરો બંધ હોવા છતાં પોત-પોતાના ઘરે તેમજ અન્ય જગ્યાઓએથી કાળાબજાર કરી ધોમ લૂંટ કરવામાં આવી હતી. જેના પગલે વ્યસનીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. ફકત રૂ.૧૬૫ની કિંમતના તમાકુના ભાવ ૧૨૦૦ સુધી અને ૨૮૦ થી લઈ ૩૫૦માં વેચાતી સોપારીના ભાવ ૧૦૦૦ સુધી પહોંચી જતાં સમગ્ર તાલુકામાં સનસનાટી મચી જવા પામી હતી. પરંતુ લોકડાઉન-૪માં હળવી છુટછાટો મળવા છતાં પણ દુકાનોના શટરો બંધ રાખી કાળાબજારી કરતા શખસો સામે પગલા ભરવા અવાર-નવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર ચુપચાપ હોય સમગ્ર મામલો હવે ગંભીર રૂપ ધારણ કરી રહ્યો છે.
તાજેતરમાં દામનગર નગરપાલિકા તથા દામનગર ગ્રાહક સુરક્ષા મંડળએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી આવા કાળાબજારી કરતા શખસો સામે ફરિયાદ લઈ કાયદાકીય પગલા ભરવાની ચેતવણી આપવામાં આવતા તમામ વેપારીઓમાં સોપો પડી ગયો હતો અને જેને પગલે કેશોદ તાલુકાનાં સમગ્ર પાનના ગલ્લાવાળા તથા ફાકી-બીડી-સીગારેટના વ્યસનીઓએ દામનગર નગરપાલિકાની જેમ કેશોદ નગરપાલિકા પણ આવું ઉદાહરણીય પગલુ ભરે તેવી સમગ્ર વિસ્તારમાં ચર્ચાએ જોર પકડ્યું છે.