- દેશની 40 હજાર જેટલી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાંથી 1 ટકાથી પણ ઓછી સંસ્થાઓ સંશોધનની પ્રવૃતિઓમાં સામેલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની પ્રથમ બોર્ડ મીટિંગની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રીએ સંશોધન ક્ષેત્રે પ્રવર્તતી સમસ્યાઓને ઓળખીને તેનો ઉકેલ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે સમયની માંગ છે, રીસર્ચ તરફ ધ્યાન દેવાની તાતી જરૂરિયાત છે.
પીએમઓ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, બેઠકમાં વડાપ્રધાને ડેશબોર્ડ બનાવવાની વાત પણ કરી, જેથી દેશમાં થઈ રહેલા સંશોધન અને વિકાસની માહિતી સરળતાથી શોધી શકાય. આ બેઠકનું ધ્યાન ભારતના વિજ્ઞાન, ટેકનોલોજી, સંશોધન અને વિકાસ કાર્યક્રમો પર હતું. વડાપ્રધાને કહ્યું કે એએનઆરએફની પ્રથમ બેઠક સાથે નવી શરૂઆત કરવામાં આવી છે. તેમણે સંશોધન ઇકોસિસ્ટમમાં હાજર સમસ્યાઓને ઓળખવા અને ઉકેલવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
વડાપ્રધાને કહ્યું કે આપણે મોટા લક્ષ્યો નક્કી કરવા જોઈએ અને તેને પ્રાપ્ત કરવા માટે કામ કરવું જોઈએ. તેમણે સંશોધનમાં હાલની સમસ્યાઓના નવા ઉકેલો શોધવા પર ભાર મૂક્યો હતો. વડા પ્રધાને કહ્યું કે સમસ્યાઓ વૈશ્વિક હોઈ શકે છે, પરંતુ ઉકેલો ભારતીય જરૂરિયાતો અનુસાર હોવા જોઈએ.
વડા પ્રધાને સંસ્થાઓને સુધારવાની અને તેમને પ્રમાણભૂત બનાવવાની જરૂરિયાત અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે સંશોધન અને નવીનતા માટેના સંસાધનોની યોગ્ય રીતે દેખરેખ રાખવાની વાત કરી. તેમણે અટલ ટિંકરિંગ લેબ્સની સકારાત્મક અસરોની પણ પ્રશંસા કરી. આ ઉપરાંત તેઓએ ક્લાઈમેટ ચેન્જ, ઈલેક્ટ્રીક વાહનો માટે બેટરી મટીરીયલ અને લેબમાં ડાયમંડ બનાવવા જેવા ક્ષેત્રોમાં સંશોધન અંગે પણ ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે ભારતમાં રીસર્ચ ક્ષેત્ર નબળું રહ્યું છે. 40 હજાર ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાંથી 1 ટકાથી પણ ઓછી સંસ્થાઓમાં સંશોધન પ્રવૃતિઓ થાય છે.