પાંચ વર્ષની સળંગ નોકરી ગણવા અને સાતમા પગારપંચનું એરિયર્સ ચુકવવાની માંગણી: માંગણી નહીં સંતોષાય તો પરીક્ષા પહેલા રાજ્યવ્યાપી આંદોલનની ચિમકી
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોના પ્રશ્નો છેલ્લા 2 વર્ષથી અઘ્ધરતાલ છે ત્યારે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને શિક્ષણમંત્રીભુપેન્દ્રસિંહ ચુડાસમાને અનેક વાર લેખિતમાં રજુઆત છતાં હજુ પ્રશ્ન નહીં ઉકેળતા માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ દ્વારા રાજ્યવ્યાપી આંદોલન પરીક્ષા પહેલા કરવામાં આવે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
વર્ષ 2019માં પ્રાથમિક શિક્ષકો સાથે અનુદાનિત શાળાઓના કર્મચારી તેમજ શિક્ષકોએ પણ પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી સંળગ ગણવાના પ્રાથમીક શિક્ષકોના આંદોલનને સમર્થન આપ્યું હતું. પરિણામે સરકારે પ્રાથમીક શિક્ષકોના લાભ અર્થે પરિપત્ર પણ જાહેર કર્યો હતો. પરંતુ ગ્રાન્ટેડ શાળાઓના કર્મચારીઓ માટે કોઈ પરિપત્ર જાહેર કર્યો ન હતો. પરિણામે માર્ચ 2019ની બોર્ડની પરીક્ષાઓનો અનુદાનિત શાળા કર્મચારીઓ દ્વારા બહિષ્કારનો આદેશ શિક્ષક મહાસંઘ દ્વારા આપતા સરકારે સમાધાન કરતા પરીક્ષા બહિષ્કારનો આદેશ પરત ખેંચી લીધો હતો. આમ છતાં આજદિન સુધી સરકારે કોઈ પરિપત્ર કર્યો નથી આ ઉપરાંત સાતમા પગારપંચના એરિયર્સના હપ્તા પણ આ શિક્ષકો તથા કર્મચારીઓને છેલ્લા બે વર્ષથી ચૂકવાયા નથી જ્યારે સરકારી શિક્ષકોને ત્રણ હપ્તા ચૂકવાય ગયા છે. આ બાબતે તાકીદે ઘટતું કરી પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી કરતા શાળા શિક્ષકોને સંળગ નોકરી કરવાનો પરિપત્ર કરવા તથા સાતમા પગારપંચના એરીયર્સના હપ્તા તાકીદે વર્ષ 2021ની પરીક્ષા પહેલા ચૂકવી આપવા માંગ કરવામાં આવી છે. જો માંગણીઓ નહીં ઉકેલાય તો રાજ્યવ્યાપી આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. તેમ રાજકોટ માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના મીડિયા ક્ધવીનર ભાવેશભાઈ ઇલાણીએ એક યાદીમાં જણાવ્યું હતું.