અનેક અસુવિધાઓથી દર્દીઓને ફરજિયાત ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડે છે
જસદણનું હાલનું સામુહિક આરોગ્ય કેન્દ્ર એક સમયે ૫૦ પથારીની સિવિલ હોસ્પિટલ તરીકે ધમધમતું હતું પરંતુ ૧૯૯૨માં આ હોસ્પિટલને સામુહિક આરોગ્ય કેન્દ્રનો દરજજો આપી દેતા દર્દીઓને ફરજિયાતપણે ખાનગી હોસ્પિટલ અથવા રાજકોટ હોસ્પિટલની મદદ લેવી પડી રહી છે. હાલ જસદણનો વ્યાપ અને વિસ્તાર સતત વધતો જઈ રહ્યો છે.
એક બિન સત્તાવાર અંદાજ પ્રમાણે જસદણ શહેરની વસ્તી ૧.૫૦ લાખને આંબી જાય છે અને તાલુકાનાં ગામડાઓ તો અલગ જ ત્યારે સરકારે આ સામુહિક આરોગ્ય કેન્દ્રને સિવિલ હોસ્પિટલનો દરજજો આપવો તે જરી છે. શહેરની આ હોસ્પિટલમાં અત્યારે મારામારી, અકસ્માત જેવા અનેક કેસો દરરોજ મોટી સંખ્યામાં આવે છે. આ સમયે મોટાભાગનાં દર્દીઓને ડોકટરો આ દવાખાનામાં સુવિધા નથી તેમ કહી રાજકોટ ધકેલી દેતા હોય છે.
આમાના પૈકી કેટલાક દર્દીઓ ખાનગી હોસ્પિટલનો પણ આશરો લે છે ત્યારે આ જસદણનાં સામુહિક આરોગ્ય કેન્દ્રને સિવિલ હોસ્પિટલનો દરજજો તાત્કાલિક ધોરણે અપાવે તેવી માંગણીઓ દર્દીઓમાં થઈ રહી છે. તેમની પાસે કોઈ આરોગ્યલક્ષી સારી હોસ્પિટલ ન હોવાથી તેમની સ્થિતિ પડયા પર પાટુ જેમ દિવસે દિવસે વધુ થતી જાય છે. આ સામુહિક આરોગ્ય કેન્દ્રને સિવિલ હોસ્પિટલનો દરજજો આપવો જોઈએ તે સમયની માંગ છે.